Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબીમાં વેપારી પાસેથી ઊંચા વ્યાજ વસુલી ધમકી આપનાર એક શખ્શના રિમાન્ડ મંજુર

વેપારીની ફરિયાદ બાદ પોલીસ તુરંત હરકતમાં આવી એક ઈસમના તા. ૨૧ સુધીના રિમાન્ડ મંજુર કરાયા

મોરબીનો ફર્નીચરનો વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયો હોય જેને ચાર વર્ષના ગાળામાં ૧૧ ઈસમો પાસેથી ૭૦ લાખથી વધુની રકમ વ્યાજે લીધી હતી અને વ્યાજ સહીત રકમ ચૂકવી હોવા છતાં ધમકીઓ આપી વિવિધ બેંકના કોરા ચેકો લખાવી લઈને ઊંચા વ્યાજની માંગણી કરતા હોવાની ફરિયાદ નોંધાઈ હોય જે ફરિયાદને પગલે પોલીસે એક આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૨૧ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે
  મોરબીના પીપળી ગામે રહેતા અને ફર્નીચરના વ્યવસાય સાથે જોડાયેલ ભાર્ગવભાઈ પ્રાણભાઈ રોજીવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે મોરબીના રામચોક નજીક આઈડિયા સ્ટોર ચલાવતા હતા અને વર્ષ ૨૦૧૮ થી પીપળી રોડ પર ફર્નીચર શો રૂમ ચલાવે છે જેને ૪ વર્ષના સમયગાળા દરમીયાન વિવિધ સમયે આરોપીઓ કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા હનુભા ઝાલા (રહે મોટા દહીંસરા તા. માળિયા), ગજેન્દ્રભાઈ ઉર્ફે ગોપાલભાઈ ભટ્ટ( રહે મોરબી વાવડી રોડ), ટીંકુભાઈ સિંધી લુવાણા (રહે મોરબી યમુનાનગર), ભગીરથસિંહ જાડેજા (રહે મોરબી), રણછોડભાઈ જીવનભાઈ(રહે બરવાળા તા. મોરબી,) વીરપાલસિંહ નથુભા ઝાલા( રહે પંચાસર) , યશ ખીરૈયા (રહે મોરબી યમુનાનગર), મયુરસિંહ હરપાલસિંહ જાડેજા( રહે મોરબી), સુખદેવસિંહ જાડેજા (રહે મોરબી વિદ્યુતનગર) નિરૂભા ઝાલા રહે શનાળા અને પ્રશાંત રમેશભાઈ કણસાગરા( રહે રાજકોટ વાળા )પાસેથી ૭૦ લાખથી વધુની રકમ વ્યાજે લીધી હતી

જેમાં આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે ૧૦ ટકાથી લઈને ૨૦ ટકા સુધીના વ્યાજદરે રકમ લીધી હતી જેમાં જે તે સમયે આરોપીઓને વ્યાજ સહીત રકમ ચૂકવી દીધી હતી અને ૧૧ પૈકી કેટલાક આરોપીઓ પાસેથી એક કરતા વધુ વખત રકમ વ્યાજે લીધી હતી જે રકમ વ્યાજ સાથે ચૂકવી દીધી હોવા છતાં આરોપીઓએ ફોન પર તેમજ રૂબરૂ મળીને ધમકીઓ આપી બળજબરીથી એચડીએફસી, સેન્ટ્રલ બેંક અને અલ્હાબાદ બેંકના કોરા ચેકો લખાવી લઈને ઊંચા વ્યાજના પૈસાની માંગણી કરી પૈસા ના આપે તો મારી નાખવાની ધમકી આપી હતી
તેમજ આરોપી રણછોડ જીવનભાઈએ દસેક દિવસ પહેલા તેની ઓફિસે બોલાવી ઢીકાપાટું માર મારી વ્યાજના પૈસાની માંગણી કરી ના આપે તો મારી નાખવાની ધમકી આપી હતી આમ ૧૧ ઇસમોએ વેપારીને માર મારી ધમકીઓ આપી કોરા ચેક લખાવી લઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુજરાત શાહુકાર ધારા અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૩૪,૪૦ તેમજ મારામારી અને ધાકધમકીની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી ચલાવી હતી જેમાં આરોપી ટીંકુ સિંધી લુહાણા રહે મોરબી વાળાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૨૧ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે

(9:27 am IST)