Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સાળંગપુરમાં નંદકિશોરદાસજીની ગુણાનુવાદન સભા

૧પ૦ સંતો, ર૦ હજાર હરિભકતો ઉપસ્થિત રહ્યા : સાધુની સ્મૃતિમાં હોસ્પિટલને રૂ. પ૧ લાખનું દાન

સુરત, તા. ર૦ : કતારગામ કુબેરનગર, સ્વામીનારાયણ મંદિરના યુવાન સાધુ નંદકિશોરદાસજી મહારાજનું ઋષિકેશ ખાતે ગંગાજીમાં સ્નાન કરતી વેળાએ ધસમસતા પ્રવાહમાં તણાઇ જવાના કારણે અવસાન થયું એ દુખદ ઘટનાને પગલે વેડ ડભોલી મંદિર ખાતે રવિવારે સાંજે ૪ વાગ્યે ગુણાનુવાદ સભાનું આયોજન કરાયું હતું. જેમાં વડતાલ તાબાના ૧પ૦થી વધુ સંતો હાજર રહ્યા હતા તો વીસ હજાર જેટલા હરિભકતોએ હાજરી આપી હતી. કુબેરનગર મંદિર તરફથી આ સાધુની સ્મૃતિમાં હોસ્પિટલને રૂ. પ૧ લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી. કોઇ મંદિર તરફથી આ રીતે હોસ્પિટલને આટલી મોટી રકમનું દાન જાહેર કરાયું હોય તેવું ભાગ્યે જ બને છે. તેવો  કિસ્સો રવિવારે સુરતમાં સાકાર થયો છે.

કુંડલધામના સ્વામી જ્ઞાનજીવનદાસજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગુણાનુવાદ સભામાં ઉપસ્થિત સાધુઓએ યુવાન સાધુ નંદકિશોરદાસજીના ગુણોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલી આપી હતી. અધ્યક્ષસ્થાનેથી સ્વામી જ્ઞાનજીવનદાસજીએ કહ્યું હતું કે નંદકિશોરસ્વામીની ઉંમર ભલે નાની હતી, પરંતુ તેમનું ભજન મોટું હતું. અથાણાવાળા સ્વામીના મંડળમાં રહીને ભજન-કિર્તન અને સાધનામાં દૃઢ હતા. ગુરૂની આજ્ઞાને આત્મસાત કરીને ગુરૂજીના પગલે પગલે ચાલીને જીવનને સાર્થક કરવાનો પ્રયત્ન કરતા કરતા અધ્યાત્મ માર્ગમાં ગંગાજીની ગોદમાં સમાઇને ભગવાનનું સુખ પ્રાપ્ત કર્યું . (૮.૯)

(11:43 am IST)