Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ભાવનગરની મહિલા કોલેજમાં પ્રેરક કાર્ય

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં એકેડેમીક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વર્કશોપમાં ગુજરાતની વિવિધ યુનિવર્સીટીના પ્રાધ્યાપકો, ડીન ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યુ હતુ. આ વર્કશોપમાં આધ્યાપકોની આવવા જવાનો ખર્ચ પુરસ્કાર ખર્ચ કોલેજ દ્વારા આપવામાં આવ્યો હતો. આ વર્કશોપનું આયોજન વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં ટોકન રૂ.૧૦૦ ફી રાખવામાં આવી હતી. જેમાં વર્કશોપમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને ફોલ્ડર, પેડ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિની મુળભુત શિક્ષણ વ્યવસ્થામાં સંસ્કાર સાથે શિક્ષણ અપાતુ હતુ. માત્ર પુસ્તકીયા જ્ઞાન સિવાય શિસ્ત, રાષ્ટ્રભકિત, ચરિત્ર, વિશ્વાસ, બલિદાનના ગુણો વિદ્યાર્થીઓને નાનપણથી જ આપવામાં આવ્યા હતા. પરંતુ ધીરે ધીરે શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક બદલાવને કારણે વિદ્યાર્થીઓ આ તમામ ગુણો ધીરે ધીરે ભુલી રહ્યા હતા. નંદકુંવરબા મહિલા કોલેજની પરંપરા રહી છે કે સંસ્કાર સાથે વિદ્યાર્થીનીઓને ઉત્તમ શિક્ષણ મળે. આ પરંપરાને કારણે વિદ્યાર્થીનીઓ દ્વારા ખર્ચના હિસાબ બાદ વધેલી રકમ પોતાના પૈસા પોતાની પાસે રાખવાના બદલે આ રકમનો સદઉપયોગ કઇ રીતે થઇ શકે તેવો વિચાર કરી ભાવનગર નંદકુંવરબા બાલાશ્રમ ખાતે વધેલી રકમનું દાન કર્યુ હતુ. મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ, ડાયરેકટરશ્રી રવિન્દ્રસિંહ સરવૈયા અને સમગ્ર કોલેજ પરિવારે આ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા. કોલેજ સ્ટાફ તથા વિદ્યાર્થીઓની તસ્વીર.(૪૫.૨)

(10:52 am IST)