Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

મોરબી કોંગ્રેસમાં ભંગાણઃ તાલુકા પંચાયત પ્રમુખ સહિત ૬૫ ભાજપમાં

પક્ષ પલટો કરનાર પ્રમુખ હંસરાજભાઇ પાંચોટીઆ સામે કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્તઃ ૩૫માંથી ૧૪ અમારા નથીઃ લલીત કગથરા

મોરબી,તા.૨૦: મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના બીજેપીમાં પ્રવેશ કર્યા બાદ શનિવારના મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કુલ ૩૫ જેટલા કોંગ્રેસી આગેવાનો, કાર્યકરો બીજેપી માં જોડાઈ કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો.અને રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

મંત્રી, તેમજ મોરબી ચૂંટણી નિરિકક્ષક સૌરભ ભાઈ પટેલ, આઈ. કે. જાડેજા,પ્રભારી મેદ્યજીભાઈ કંઝારીઆ,સાંસદ મોહનભાઇ કુંડારીઆ, જિલ્લા પ્રમુખ રાદ્યવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા,કાંતિલાલ અમૃતિયાએ સહિતના આગેવાનોએ મોરબી તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીઆ સાથે પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો, પૂર્વ સરપંચ સહિત તમામ કોંગ્રેસની નીતિ રીતિથી નારાજ થઈ બીજેપી ની વિકાસ યાત્રામાં જોડાવાનું જણાવનાર તમામને કેસરીઓ ખેસ પહેરાવી આવકાર્યા હતા.

આ તકે આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસથી નારાઝ તમામ આગેવાનોના ભાજપમાં આવવાથી ભાજપની તાકાત માં વધારો થયો છે. આવનારી પેટા ચૂંટણી જીતવાનો પણ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમને મેળાવડો ગણાવી તેમાં સોશ્યિલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થયાનું જણાવી મોરબી આમ આદમી પાર્ટીએ તમામ સામે ધોરણસરની કાર્યવાહી કરવા કેલેકટરમાં ફરિયાદ નોંધાવી છે.

કાર્યક્રમમાં નિયમનો ભંગ થવાની 'આપ'ની ફરીયાદ

મોરબીમાં આગામી સમયમાં જયારે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે મોરબીમાં રાજકીય તડાકા ભડાકા શરૂ થઇ ગયા છે. મુખ્ય બંને રાજકીય પાર્ટી ભાજપ કોંગ્રેસએ સામ, દામ, દંડ ભેદની નીતિ શરૂ કરી દીધી છે. અને બંને પક્ષ કોઈ કચાસ છોડવા માંગતા નથી કારણકે, આ ચૂંટણી એ જંગ સમાન છે. કેટલાય નવા રાજકીય સમીકરણો ની સાક્ષી બની રહેનાર પુરવાર થવાની છે. અને આ ચૂંટણીમાં ત્રીજા પરિબળ તરીકે આમ આદમી પાર્ટી પણ જુકાવાની છે.

શનિવારના રોજ કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાનાર ૩૫ સભ્યો બાદ સ્થાનિક રાજકારણમાં અફડાતફડી મચી ગઇ હતી. અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લાલિતભાઈ કાગાથરા એં તાબડતોબ કોંગ્રેસની મિટિંગ બોલાવી હતી.

આ તકે તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા કહેવામાં આવતા ૩૫ સભ્યો માંથી ૧૪ સભ્યો તો અમારા છેજ નહીં, આ તકે તેમણે ૧૪ સભ્યોની યાદી પણ બતાવી હતી. અને હંસરાજભાઈ આવું કોઈ પગલું ભરે તેનો અણસાર પણ આવવા દીધો નહોતો. બે દિવસ પહેલા તો બધા તેના ઘેર સાથે જમ્યા હતા. કયા દબાણ કે લોભલાલચને વશ થયા હશે તે સમજાતું નથી. આ સાથે તાલુકા પંચાયતના ૧૬ સભ્યો દ્વારા પ્રમુખ હંસરાજભાઈ સામે અવિશ્વાસની દરકખાસ્ત કરવામાં આવી છે. તેમને પ્રમુખ પદેથી દૂર થવું પડશે તેવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

(12:01 pm IST)