Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ઇણાજ ખાતે કોરોના વાયરસની સમીક્ષા અંગે બેઠક યોજાઇ

પ્રભાસ પાટણ તા.૨૦: ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશની ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોરોના વાયરસ અંગે અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના અટકાવવાં માટે ખાનગી હોસ્પિટલને કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવામા આવશે. વેરાવળ, કોડીનાર અને ઉનાના કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને ત્યાં જ સ્થાનિક વિસ્તારમાં સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ચેતન મહેતાએ વિગત આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૂત્યું ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોના વાયરસ અંગે લોકોએ માસ્ક ફરજીયાત પહેરવુ અને સામાજીક અંતર રાખવા તાકીદ કરી હતી. જિલ્લામાં ધનવન્તરી રથનો ઉપયોગ કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેકટરશ્રી બી.એસ.પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમાર, ગીર-સોમનાથ જિલ્લા કોવીડ-૧૯ લાયઝન અધિકારીશ્રી ડો.માઢક, સિવિલ હોસ્પિટલના અધિક્ષક જીજ્ઞેશ પરમાર, ડો.બામરોટીયા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:50 am IST)