Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

દ્વારકાના જામદેવળીયામાં ૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા પૂનમબેન માડમ

ખંભાળીયા,તા.૨૦:દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના જામ દેવળીયા ખાતે ૬૦ લાખના ખર્ચે સમસ્ત લોહાણા સમાજ દેવળીયા તરફથી ભૂમિદાનમાં અર્પણ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રીબીન કાપી લોકાર્પણ ગઇકાલે સાંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું.      

આ પ્રસંગે સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતુ કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માધ્યમથી દેવળીયા ગામ આરોગ્ય ક્ષેત્રમાં આગળ વધ્યું છે. નિસ્વાર્થ ભાવે કામ કરે તેનું પરિણામ મળે જ છે. ગ્રામ્ય વિસ્તારના કામની જરૂરીયાતના પ્રશ્નો સરકારે હલ કર્યા જ છે.

જામદેવળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી સેવાઓમાં પોર્ચ, એન્ટ્રન્સ ફોયર, ડ્રેસીગ/ઇન્જેકશન રૂમ, મેડીકલ ઓફીસર રૂમ, ડો.આયુષ ઓફીસર રૂમ, લેબોરેટરી, પુરૂષોનો વોર્ડ, સ્ત્રીઓનો વોર્ડ, લેબર રૂમ, પ્રિઓપરેશન રૂમ, સ્ક્રબ રૂમ,  ઓટોકલેવ સાથે ચેન્જ રૂમ, માઇનોર ઓપરેશન થિયેટર, ઓફિસ/સ્ટોર રૂમ, કેશ રૂમ, ડીસ્પેન્સીંગ રૂમ તથા પી.એમ.રૂમ, ગેરેજ, કમ્પાઉન્ડવોલ જેવી સુવિધા આ પી.એચ.સી.માં ઉપલબ્ધ છે. જેમાં આજુ બાજુના ૮ ગામ પૈકીની આશરે ૨૫ હજાર લોકોને સારવારનો લાભ મળશે. આ પી.એચ.સી.માં એમ.બી.બી.એસ. ડોકટર સાથે કુલ ૨૨ કર્મચારીઓ લોકોના આરોગ્યની સંભાળ રાખશે.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પી.એસ.જાડેજાએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ પીઠાભાઇ વારોતરીયા, જિલ્લા પંચાયત સભ્ય રણમલભાઇ માડમ, જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયા, દેવળીયા ગામના સરપંચ, આરોગ્ય કર્મચારીઓ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ સોશીયલ ડિંસ્ટન્સ સાથે ઉપસ્થિત રહયા હતા.

(11:50 am IST)