Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે કાલથી શ્રાવણ ઉત્સવ

કોરોના મહામારીના કારણે આરતીમાં યાત્રિકોને પ્રવેશ નહીં અપાય : સાંસ્કૃતિક, આધ્યાત્મિક કાર્યક્રમો રદ્દ

વેરાવળ-પ્રભાસ પાટણ, તા. ર૦ : પ્રથમ આદિ જયોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ પર્વ શરૂ થનાર છે. શ્રાવણ ઉત્સવનો પ્રારંભ તા. ર૧-૭-ર૦ર૦ શ્રાવણ સુદ એકમ ને મંગળવારે થશે અને પૂર્ણાહુતિ તા. ૧૯-૮-ર૦ર૦ શ્રાવણ વદ અમાસ ને બુધવારે થશે. મહામૃત્યુંજ્ય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, પૂજાવિધિઓ શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG  પરથી ઓનલાઇન નોંધાવી શકશે. વિશેષમાં ઓનલાઇન પૂજાવિધિ નોંધાવનારને વોટ્સએપ વિડીયોકોલીંગના માધ્યમથી પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. વિશેષમાં ગાઇડલાઇન મુજબ ટ્રસ્ટના સાગરદર્શન તેમજ માહેશ્વરી અતિથિ ભવનમાં ઓનલાઇન બુકીંગ ટ્રસ્ટની વેબસાઇટ પરથી શરૂ કરવામાં આવેલ છે.

કોરોના વૈશ્વિક મહામારી અંગેની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે પૂજાવિધિ કરવામાં આવશે. એકસાથે પાંચથી વધુ લોકો પૂજાવિધિમાં જોડાઇ શકશે નહિ. વિશેષમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું, પોતાનું ટેમ્પ્રેચર ચેક કરાવવું, સેનીટાઇઝટનલમાંથી પસાર થઇને જ પ્રવેશ કરવો, મંદિર દર્શન માટેની લાઇનમાં બનાવવામાં આવેલ સોશ્યલ ડીસ્ટન્સીંગ રાઉન્ડ પ્રમાણે ચાલવું, મંદિરની રેલીંગ ને અડકવું નહિં, બીન જરૂરી ઉભા ન રહેવું, દર્શન લાઇનમાં ચાલતા રહેવું, દર્શન થયા બાદ મંદિર પરિસરમાં કયાંય રોકાવું નહિ. આ તમામ સુચનાઓનું પાલન ફરજીયાત રહેશે.

શ્રાવણમાસમાં બહારથી આવતા ભધતો દર્શન વિહોણા ન રહે તેવા શુભઆશયથી સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પર પ્રી-રજીસ્ટ્રેશન સુવિધા શરૂ કરવામાં આવેલ છે, જેમાં બહારગામથી આવતા યાત્રિકોને અપીલ છે કે તેઓ આ લીંક મારફત પોતાના દર્શન માટેનો સ્લોટ (સમય) બુક કરાવીને જ નિયત સમયથી વહેલા પહોંચી દર્શનનો લ્હાવો આ માધ્યમથી લઇ શકશે.

શ્રાવણ માસ દરમ્યાન ભકતો સોશ્યલ મીડીયાના માધ્યમથી દર્શન અને આરતી સાથે સુર આરાધના, સત્સંગ સહિતના કાર્યક્રમોન લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક @SomnathTempleOfficial-ટ્વીટર @SomnathTempleOfficialChannel-યુટયુંબ SomnathTempleOfficialChannel-ઇન્સ્ટાગ્રામ @SomnathTempleOfficial વોટસએપ તથા ટેલીગ્રામમાં @9726001008- સોમનાથ યાત્રા મોબાઇલ એપ્લીકેશન-ટ્રસ્ટીની વેબસાઇટ  WWW.SOMNATH.ORGપરથી મળી રહે તે માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

ગીતા મંદિર, શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વ શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભકતોનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઇ શકશે. જેનો લ્હાવો લેવા સર્વે ભકતજનોને હાર્દિક નિમંત્રણ છે.

શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ  શૃંગારોથી ૩૦ જેટલા અલગ અલગ શણગાર કરવામાં આવશે, આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર આપી ભકતજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શ્રાવણમાસ દરમ્યાન મહામૃંત્યુંજ્ય યજ્ઞમાં યાત્રિકો હોમ કરી લાભ લઇ શકશે.

વૃદ્ધો અશકત યાત્રિકો, દિવ્યાંગો માટે પાર્કીંગ ખાતેથી શ્રી સોમનાથ મંદિર સુધી પહોંચવા વિશેષ નિઃશુલ્ક વાહન વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવાશે. વ્હીલચેર-ઇરીક્ષા-હેલ્પડેસ્ક સહિત અનેક સવલતોનો યાત્રીઓ લાભ લઇ શકશે.

શ્રાવણમાં  યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી, વિશેષ પ્રસાદ-પૂજાવિધિ-કલોકરૂ-જુતાઘર સહિત વ્યવસ્થા કરવામાં આવશે. શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષ શરૂ રહેશે જયાં યાત્રીઓને સતત મદદ માર્ગદર્શન મળી રહેશે.

સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલિકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુકત ઉપક્રમે રાત્રી સફાઇની વ્યવસ્થા ગોઠવાશે. આવનાર યાત્રિકો પવિત્ર યાત્રાધામમાં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.

શ્રાવણ માસ દરમ્યાન સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટના માન. અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલ તથા માન. ટ્રસ્ટી-સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ કે. લહેરી, ટ્રસ્ટી શ્રી જે.ડી. પરમારના માર્ગદર્શન નીચે જનરલ મેનેજરશ્રી અને સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસ કર્મીઓ એસઆરપીના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવેલ છે.

શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનિક જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.

કોરોના વૈશ્વિક મહામારીને કારણ શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે સરકારશ્રીની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું, તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ, પોલીસ વિભાગ, જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવીને જે દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, તેનો ચુસ્ત અમલ સાથે દર્શનનો લાભ લેવો તેમ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.(

(11:47 am IST)