Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ : કુંવરજીભાઇ બાવળિયા

જસદણના મોઢુકામાં બનશે ત્રણ માળ અને લીફટની સગવડવાળુ ગુજરાતનું પ્રથમ આરોગ્ય કેન્દ્ર : ૧૦ ગામોની ૩૦ હજારની વસ્તીને મળશે આરોગ્ય સવલતો

આટકોટ - જસદણ તા. ૨૦ :  વીંછીયા તાલુકાના મોઢુકા ગામ ખાતે પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ નિર્માણ પામનાર ગુજરાત રાજયના સૌથી અત્યાધુનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યાનું નિરીક્ષણ કરીને ખાતમુહૂર્ત કર્યું હતું.

કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા રાજયસરકાર કટિબધ્ધ છે. અહીં નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુવિધાની દ્રષ્ટિએ ગુજરાતના અમૂલ્ય ઘરેણાં સમાન બની રહેશે. ટૂંક સમયમાં જ અમરાપુર ખાતે નવું આરોગ્ય કેન્દ્ર કાર્યરત થશે.

આ પ્રસંગે બાવળીયાએ લોકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણને ટાળવા લોકો પોતાની સામાજીક જવાબદારી નિભાવે, માસ્ક-હેન્ડ સેનેટાઈઝરનો પૂરતો ઉપયોગ કરે તથા સારા-માઠા સામાજીક પ્રસંગોમાં ભાગ લેવામાં પુરતું ધ્યાન રાખે, તે ખૂબ જરૂરી છે. કોરોના વાયરસની આ મહામારીમાં દરેક વ્યકિતએ પોતાનું અને પોતાના પરિવારનું કાળજીપૂર્વક ધ્યાન રાખવા મંત્રીએ ઉપસ્થિતોને ખાસ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૭ હજારથી વધુની વસ્તી ધરાવતુ વીંછીયા તાલુકાનું મોઢુકા ગામ વેપાર-ધંધાનું મહત્વનું કેન્દ્ર છે. આ તાલુકાના ૪૬ ગામો પૈકી ૩૬ જેટલા ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે. રૂ. ૧૧૦ લાખના ખર્ચે મોઢુકામાં બનનારૃં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર ગુજરાતનું પ્રથમ આરોગ્ય કેન્દ્ર હશે, જે ત્રણ માળની સુવિધા સહિત લીફટની સગવડ ધરાવતું કેન્દ્ર બનશે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સીધો લાભ અંદાજીત ૧૦ ગામોના ૩૦ હજાર લોકોને મળશે. જેમાં મોઢુકા, સોમ પીપળીયા, પાટીયાળી, સરતાનપર, બંધાળી, બેડલા, વેરાવળ, જનડા, કંધેવાડીયા, સોમલપર સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ કેન્દ્રમાં એક મેડીકલ ઓફીસર અને એક આયુર્વેદીક મેડીકલ ઓફિસર ફરજ બજાવશે.  સ્ત્રીઓને ઘરઆંગણે જ પ્રસૂતિની સુવિધા મળતાંઙ્ગ અન્યત્ર જવું નહી પડે. મહિલા અને બાળ આરોગ્યનું પુરતું ધ્યાન રાખવામાં આ કેન્દ્ર સહાયરૂપ સાબિત થશે. હાલમાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૭ જેટલા આરોગ્યલક્ષી પરીક્ષણો કરવામાં આવે છે, જયારે નવનિર્માણ પામનાર મોઢુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૬૪ જેટલા લેબોરેટરી ટેસ્ટની સુવિધા મળી શકશે.

આ પ્રસંગે ગ્રામ અગ્રણી વાલજીભાઈ મેર, વીંછીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, મેડીકલ ઓફિસર ડો. રાજા ખંભાળા, જસદણ-વીંછીયાના તાલુકા સુપરવાઈઝર પિયુષભાઈ શુકલ સહિત ગ્રામજનો માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.

(10:29 am IST)