Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ભુજના જેઠાલાલ ઠકકર મૃત્યુ પામીને પણ 'જીવી' ગયા- સાઈકલને ૧૦૮ બનાવનાર જેઠાલાલે અનેક દર્દીઓને આપ્યું 'નવજીવન'

ભુજ, તા.૨૦: આ મારા મોબાઈલ નંબર છે, ફોન કરજો એક પણ પૈસાના ખર્ચ વગર દર્દીનું ઓપરેશન થઈ જશે, ચંધા મ કઇજા, ભલા. આટલી વાત કર્યા પછી સામે વાળાના મોં ઉપરની ચિંતા દૂર કરી, તેમના ચહેરા ઉપર સ્મિત રેલાવી અને પોતે હસતા હસતા સાઈકલને પેડલ મારીને નીકળી જાય. જેઠાલાલ ઠક્કરની વાત કરવાની આ સરળતા અને તેમનો સેવાકીય ભાવ અનેક લોકોને યાદ હશે. પોતાનું નિવૃત જીવન ગરીબ અને જરૂરતમંદ દર્દીઓની સેવામાં ખપાવી દેનાર જેઠાલાલ ઠકકર આપણી વચ્ચે આજે હયાત નથી. ગુરુવારે રાત્રે તેમનું અમદાવાદમાં હોસ્પિટલ મધ્યે દુઃખદ નિધન થયું છે. જોકે, જેઠાલાલભાઈ ભલેને સદેહે આપણી વચ્ચે હયાત નથી, પણ તેમની મદદથી સાજા થનાર, નવજીવન મેળવનાર સેંકડો દર્દીઓના હૃદયમાં જેઠાલાલ ઠકકર 'જીવે' છે. ભુજની ગેરવાળી વંડીમાં રહેતા જેઠાલાલ ઠક્કરને મીડીયા સાથે ગજબનો પ્રેમ હતો. આ લખનાર (વિનોદ ગાલા) સહિત અનેક પત્રકાર મિત્રો આ વાતના સાક્ષી છે, જોકે, તેમનો મીડિયાપ્રેમ હેતુલક્ષી નહીં પણ, માહિતીલક્ષી હતો,દર્દીઓની સારવારના સમાચાર દ્વારા અન્ય જરૂરતમંદ લોકો સુધી માહિતી પહોંચડવા તેમ જ, સતત મેડિકલ સેવા વિશેની નવી નવી જાણકારી લોકો સુધી પહોંચાડવી તેમનો હેતુ હતો. એટલે જ તો, આ વન મેન એનજીઓ જેવા જેઠાલાલ ઠક્કરની પ્રેસનોટ દરેક પત્રકાર મિત્રો હોંશે હોંશે છાપતા હતા. જેઠાલાલ ઠક્કરની બીજી વિશેષતા એ હતી કે, કચ્છમાં કાર્યરત કોઈ પણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાય તો તેઓ હોંશે હોંશે તેમા સેવા આપવા પહોંચી જાય. ત્યાં સંસ્થાના ટ્રસ્ટીઓ તેમ જ તબીબોને પોતાના સેવાકીય કાર્યોની પ્રેસનોટ બતાવીને તેમને પણ ગરીબ દર્દીઓની સારવાર માટે રાજી કરી લે. કચ્છના અલગ અલગ રોગોના અનેક દર્દીઓની સારવાર, ઓપરેશન માટે તેમણે કામ કર્યું છે. ખાસ કરીને નાના બાળકો માટે હાર્ટ સર્જરી, ફાટેલા હોઠ અને તાળવાની સારવાર માટે તેમણે એકલપંડે ખૂબ કામ કર્યું છે. ગરીબ દર્દીઓની સારવાર ફ્રી ઓફ ચાર્જ 'નિઃશુલ્ક' થાય તે માટે સંસ્થાઓની મદદ, સરકારી યોજનાઓ અને સેવાભાવી તબીબો વિશે તેમને ગજબની જાણકારી હતી. તો, તેમની સેવાભાવનાની સંસ્થાઓ, સરકારી અધીકારીઓ, સેવાભાવી લોકો અને તબીબો સૌ કદર કરતા અને દર્દીઓને મદદરૂપ બનતા. ગાઢ અંધકાર વચ્ચે એક કોડિયુ જેમ પ્રકાશ પાથરે તેમ જેઠાલાલ ઠકકર 'એકલો જાને રે' ની જેમ પોતે એકલા જ એક સંસ્થા જેવા હતા. ભુજને અને જરૂરતમંદ દર્દીઓને હમેંશા તેમની ખોટ પડશે.

(11:26 am IST)