Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

જેતપુર પાસે કારની ઠોકરે ડેડરવાના બાઇકચાલક ભીખુભાઇ મુળીયાનું મોત

૩૬ વર્ષના યુવાને રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ બે પુત્રોએ પિતાનું છત્ર ગુમાવ્યું

ઘટના સ્થળે અકસ્માત ગ્રસ્ત કાર અને બાઇક તથા એકઠા થયેલા લોકો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૦: જેતપુરના ડેડરવા ગામે રહેતો ભીખુભાઇ ધનજીભાઇ મુળીયા (ઉ.૩૬) નામના ખાંટ યુવાનનું બાઇક સહિત કારની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું છે. કામેથી છુટીને ઘરે આવતી વખતે આ બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ ડેડરવા રહેતો ભીખુભાઇ મુળીયા નામનો યુવાન જેતપુર સાડીના ઘાટ ધોવાનું મજૂરી કામ કરતો હોઇ ગઇકાલે સાંજે પાંચેક વાગ્યે કામેથી છુટીને પોતાના બાઇક પર ડેડરવા જતો હતો ત્યારે રસ્તામાં જોડીયા હનુમાનજી નજીક ડેડરવા રોડ પર એક કારની ઠોકરે ચડી જતાં બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનુંઆજે સવારે મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મૃત્યુ પામનાર યુવાનને સંતાનમાં બે પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે કાગળો કરી જેતપુર પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

(11:53 am IST)