Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

એભલવડ ગામ હજુ પાણીમાં: આદપોકાર ગામનો બેઠો પુલ તુટી પડયો

શાંગાવાડી નદીએ ૧૦ ગામોને ઘેરી લીધાઃ કોડીનાર તાલુકામાં ૬૩ ઇંચ વરસાદ ભારે તારાજીઃ લોકોના જાન-માલને નુકશાન : એભલવડ ગામે પાણીમાં ફસાયેલી બસને પાંચ દિ'એ બહાર કઢાઇઃ ગામમાં કોઇના ઘરે ચુલો સળગ્યો નથીઃ વિઠલપુરનો પણ વાહન વ્યવહાર ઠપ્પ

કોડીનાર, તા., ર૦: કોડીનાર પાસે આવેલ ગીર ગઢડા તાલુકાનું હરમડીયા અને એભલવડ ગામેથી પસાર થતી અને ગીરમાંથી આવતી સાંગાવાડી નદીએ તો જાણે તેના પ્રભાવીત એભલવડ, હરમડીયા, વિઠલપુર, શેઢાયા, જમનવાડા સહીતના ૧૦ જેટલા ગામોમાં તારાજી સર્જી દીધી છે. વરસાદે વિરામ લેતા તાલુકાના ગામોના પ્રવાસ કરતા પાણી ધીમે ધીમે ઓસરવાની સાથે હજુ ઘણા ગામોના લોકોની ઘરવખરીને ભારે માત્રામાં નુકશાન થયું છે. હરમડીયા ગામે નિચાણવાળા વિસ્તારોમાં એટલા પાણી ભરાયા કે છેલ્લા ૧૦ દિવસથી જૈન અપરામાં રસોઇ બનાવી આ લોકોને સેવાભાવી લોકો ટીફીનો પહોચાડી રહયા છે જયારે વધુમાં તો આ નદી કાંઠે આવેલ મોટાભાગની જમીનોનું ધોવાણ કર્યુ છે.

એભલવડ ગામ છેલ્લા ૧૦ દિવસથી સંપર્ક વિહોણું છે એભલવડ ગામને જોડતો એક માત્ર પુલ છેલ્લા ૧૦ દિવસના સાંગાવાડી નદીના ભારે પ્રવાહને કારણે બંધ હતો તેમજ પુલથી ઉંચે બનેલ રેલ્વે ટ્રેક પર પણ પાણી ૩ દિવસ સુધી હતા લોકો બેટમાં ફેરવાઇ ગયા હતા. ૧૦ દિવસ બાદ સવારે પાણી ઉતરતા ગામમાં પ દિવસથી ફસાયેલી એસટી બસ મહા મુસીબતે થોડા પાણીમાંથી બહાર કાઢી પણ બપોરે ફરી ગીરમાં વરસાદ પડતા આ એભલવડના પુલ પર ધસમસતો પ્રવાહ વહેવા લાગતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. ગામ લોકોને જોઇ કોઇ અગત્યની કામ હોય જેવું કે ખાદ્ય સામગ્રી લાવવી, દવાખાને જવુ કે કોઇ ઇમરજન્સીના સમયે પુલ બાજુમાંથી ૪૦ ફુટ ઉંચા રેલ્વે ટ્રેક પરથી પોતાના જીવના જોખમે પસાર થવુ પડે છે. હદ તો ત્યારે થઇ કે ૧૦ દિવસ દરમ્યાન તંત્રએ આ ગામની મુલાકાત પણ નથી લીધી. ગામ લોકો પોતાની રીતે આ મેઘ મુસીબતનો સામનો કરી રહયા છે.

ગામ લોકોના જણાવ્યા પ્રમાણે જો અહી ઉંચો પુલ બની જાય તો ૩ થી ૪ હજારની વસ્તી વાળુ આ ગામ રાહતનો શ્વાસ લઇ શકે અને પોતાનું જીવન ભય વગર જીવી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ગામમાં મોટા ભાગે ગરીબ અને મજુરીયાત વર્ગ રહેતો હોય છેલ્લા ૧૦ દિવસથી આવા લોકોના ઘરનો ચુલો પણ સળગ્યો નથી.

મેઘવિરામ વચ્ચે વિઠલપુર-હરમડીયા-ગોહીલની ખઆણ દેવા ગામોમાં તંત્ર અને ગામજનો દ્વારા પાણીનો નિકાલ કરાઇ રહ્યો છે કોડીનારના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જમીનોનું ધોવાણ થયાનું તેમજ ઘરવખરીનો ભારે માત્રામાં નુકસાન થયાનું જણાઇ રહ્યુ છે તેમજ હજુ પણ અનેક ગામડાઓના રસ્તાઓ બંધ હોવાનું પણ જાણવા મળેલ છે વરસાદી પાણી સંપૂર્ણ રીતે ઓસર્યા બાદ નુકશાનનો ખરો આકડો બહાર આવવાની શકયતા વચ્ચે કોડીનારના અનેક સરપંચ રાજકીય પદાધીકારીઓએ સરકારમાં નુકસાન ગ્રસ્ત વિસ્તારોના અસરગ્રસ્તોને કેશડોલ ચુકવવા માંગણી કરી છે.

કોડીનાર-વિઠલપુરને જોડતો આદપોકાર ગામે બેઠો પુલ ગત મોડી રાત્રીના ધરાશાઇ થયો હતો. આદપોકાર ગામનો પુલ ભારે વરસાદ અને ભારે માત્રામાં વહેતા પાણીના પ્રવાહમાં ઝીક ઝીલી ન સહતા પુલ ધરાસાઇ તતા કોડીનાર વિઠલપુર અને ગીરગઢડા વિસ્તારનો વાહન વ્યવહાર ઠપ્પ તથા વિઠલપર ગીરગઢડા સંપર્ડ વિહોણા બન્યા છે.

જુનાગઢના પુર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ સતત ૪ દિવસ હરમડીયા કાણકીયા-કરેણી વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં અને નગરપાલીકાના ઉપપ્રમુખ શિવાભાઇ સોલંકી સાથે શહેરી વિસ્તારોમાં વહેતા પાણી વચ્ચે અસરગ્રસ્તોની મુલાકાત કરી તેમને મદદ પહોંચાડી તાત્કાલીક ભરાયેલા પાણીનો નિકાસ કરવા યુધ્ધના ધોરણે કીમગીરી હાથ ધરી નુકસાનનું વળતર ચુકવવા સરકારમાં માંગણી કરી બરા અર્થમાં લોકનેતા હોવાનું સાર્થક કર્યુ હતું.

કોડીનારના અસરગ્રસ્ત વિસ્તારોમાં ૬ NPRFટીમ દ્વારા બરડા ગોહીલની ખાણ વગેરે ગામોમાં સ્થાનીક ડોકટરોની ટીમ સાથે મળી મેડીકલ કેમ્પ યોજી અસરગ્રસ્તોનો ઇલાજ કરી વરસાદ પછી ફેલાતી ગંભીર બિમારીઓ વિશે જાણકારી આપી સ્વસ્છતાની જાણકારી આપી પિવાના પાણીનું વિતરણ કર્યુ હતું.(૪.૨)

(11:52 am IST)