Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

ગીર સોમનાથ અધિક કલેકટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાનેજિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જનપ્રતિનિધિઓના વિવિધ પ્રશ્નોની રજૂઆત અંગે પ્રશ્નોનો ઝડપી અને સુનિયોજીત પદ્ધતિથી ઉકેલ લાવવા અંગે સૂચન

પ્રભાસ પાટણ :ગીર સોમનાથ અધિક કલેકટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ, ખાતે જનતાના પ્રશ્નોનો સરળતાથી ઉકેલ આવે તે માટે જિલ્લાનાં ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને દરેક વિભાગનાં અધિકારીઓ સાથે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના સંબંધિત પ્રશ્નો અંગે ચર્ચા તથા જનપ્રતિનિધિઓએ તાલુકા તથા જિલ્લાની વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી. આ રજૂઆતો અંગે અધિક કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને તમામ પ્રશ્નોનો ઝડપી અને સુનિયોજીત પદ્ધતિથી ઉકેલ લાવવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

  ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે બિલ્ડિંગ લાઈમસ્ટોન ક્વોરીલીઝ, ગેરકાયદેસર રીતે લીઝ બહાર કરેલ ખનન વગેરે વિશે તેમજ તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડે બિનઅધિકૃત દબાણ, માપણી સંબંધિત પ્રશ્નો  તથા વનવિભાગને લગતા પ્રશ્નોની રજૂઆત કરી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી. બેઠકમાં રજૂ કરાયેલા તમામ પ્રશ્નો તથા અગાઉના પડતર પ્રશ્નો અંગે અધિક કલેક્ટરએ જનપ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરીને ઝડપી અને સુનિયોજીત કામગીરી કરવા સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને સૂચના આપી હતી.

સંકલનની બેઠકમાં સોમનાથ ધારાસભ્ય  વિમલભાઈ ચુડાસમા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવી બારૈયા, પ્રાંત અધિકારી જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી  કે.વી.બાટી, નાયબ કલેક્ટર ભૂમિકા વાટલિયા, કાર્યપાલક ઈજનેર સુનિલ મકવાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરૂણ રોય સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ પી.જી.વી.સી.એલ, ખાણ-ખનીજ વિભાગ, નેશનલ હાઈવે, શિક્ષણ સહિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(12:53 am IST)