Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

મોરબી નગરપાલિકા ગૌવંશને સાચવવા પણ સક્ષમ નથી!!

નંદીઘરમાંથી ગૌવંશને અન્ય ગૌશાળામાં ખસેડાયા.

મોરબી નગરપાલિકામાં શાસન ભાજપનું હોય કે કોંગ્રેસનું હોય પરંતુ મોરબીવાસીઓને ક્યારેય સારા રોડ રસ્તા તંત્ર આપી શક્યું નથી એ ગ્રેડની નગરપાલિકા વિસ્તારમાં આજે પણ રોડ રસ્તા તૂટેલા જોવા મળે છે તો પાલિકાની તિજોરી પણ તળિયાઝાટક બની ગઈ હોય અને સ્થિતિ એવી આવી ગઈ છે કે નગરપાલિકાએ જે રખડતા ઢોર પકડ્યા હોય તે પશુના નિભાવ કરી શકવા પણ હવે તંત્ર સક્ષમ રહ્યું નથી જેથી નંદીઘરમાં રાખેલ પશુઓને અન્ય ગૌશાળામાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે

મોરબી નગરપાલિકા દ્વારા લોકોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે આવા ઢોરને પકડીને પંચાસર રોડ પર નંદીઘર બનાવ્યું હતું જ્યાં પશુઓને રાખવામાં આવતા હતા અને પાલિકા તંત્ર દ્વારા જ તે પશુઓનો નિભાવ કરવામાં આવતો હતો જોકે નગરપાલિકા પાસે હવે નાણા જ બચ્યા નથી જેથી ખર્ચનું ભારણ ઘટાડવા માટે નંદીઘરમાંથી ગૌવંશને અન્ય ગૌશાળામાં ખસેડવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે હાલ નંદીઘરમાં ૬૦૦ થી વધુ ગૌવંશ રહેલ હોય જેને ૧૦ જેટલી ગૌશાળામાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
જે મામલે નગરપાલિકાના વહીવટદાર એન કે મુછારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નંદીઘરમાં આશ્રય લેતા ગૌવંશને વિવિધ ગૌશાળામાં મોકલવાનું શરુ કરાયું છે નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં પશુઓના નિભાવ અત્યાર સુધી કરવામાં આવતા હતા જોકે પશુઓની સારી સંભાળ લેવા માટે નિષ્ણાંતોની ટીમ જરૂરી હોય છે જેથી વિવિધ ગૌશાળામાં પશુને શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સંસ્થાઓને સહાય મળતી હોય છે નગરપાલિકા વિકાસકાર્યોમાં ધ્યાન આપી સકે તેવા હેતુથી નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું

પશુઓની સંખ્યા ઘણી ઓછી થઇ ગઈ ?
નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં અગાઉ ૧૦૦૦ જેટલા પશુઓ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે જોકે હાલ આ સંખ્યા ૬૦૦ થી વધુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે પશુઓની સંખ્યા એટલી કેમ ઘટી ગઈ ? શું પશુઓના મૃત્યુ થયા છે કે પછી પશુઓ ચાલ્યા ગયા છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે
વહીવટદારે જાતે જ સ્વીકારી લીધું કે નગરપાલિકા સારો નિભાવ કરી સકતી નથી ?
વહીવટદારે પશુઓને અન્ય ગૌશાળામાં ખસેડવાના નિર્ણય અંગે મીડિયા સાથેની વાતચીતમાં એમ જણાવ્યું હતું કે પશુની સારી સંભાળ લેવા માટે નિષ્ણાતોની જરૂરત હોય છે અને હવે નગરપાલિકા અન્ય સ્થળે ખસેડી રહી છે એટલે વહીવટદારે પણ આડકતરી રીતે સ્વીકારી લીધું કે પાલિકા તંત્ર પશુનો સારો નિભાવ કરી સકે તેમ નથી ? તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે

 

(12:11 am IST)