Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

ઓખા ખાતે રાષ્ટ્રીય તટીય પોલીસ એકેડમી(NACP)ના ટ્રેનિંગ સેન્ટરના વિસ્તૃતિકરણ કાર્યનું ખાતમુહૂર્ત કરતા અમિતભાઈ શાહ

કૃષ્ણનગરી દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના મંદિરમાં પૂજા અર્ચના કરી દ્વારકા શારદાપીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીની મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયથી આજે દેશની તટિય સુરક્ષાને સુનિશ્ચિત કરતું મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું હોવાનું જણાવતા

દેવભૂમિ દ્વારકા :સ્વાતંત્ર્ય વીર બિપીનચંદ્ર પાલની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી,દેશની રક્ષા કરનાર પરમવીર ચક્રથી સન્માનિત શહીદ પીરૂસિંહની જન્મજયંતી નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ભાવાંજલિ અર્પણ કરી હતી ,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાથી દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સમુદ્રી પોલીસ સ્ટેશનના કર્મીઓની ટ્રેનીંગનું હબ દ્વારકા ખાતે બનશે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત હોવાનું જણાવી અમિતભાઇ શાહે  બીએસએફના જવાન પરિવારથી સેંકડો કિલોમીટર દૂર સીમા પર યુવાનીના સુવર્ણ વર્ષોમાં દેશ માટે ફરજ બજાવે છે એટલે આપણે શાંતિથી ઊંઘ લઈ શકીએ છે. તેમ જણાવ્યું હતું

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, વિવિધ પ્રકલ્પો અને વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત અર્થે ગુજરાતની બે દિવસીય મુલાકાતે પધારેલા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કૃષ્ણનગરી દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી તેમજ દ્વારકાશારદાપીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અમિતભાઈ શાહે ઓખા ખાતે રાષ્ટ્રીય તટીય પોલીસ એકેડમી(NACP)ના ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ પશ્ચિમી કોસા, કોસા, બેલાવાંડ, ભારવાંડ અને ગુનાઉ ખાતે રૂ. ૫૬ કરોડના ખર્ચે નિર્મિત બીએસએફની ૫ કંપની આઉટ પોસ્ટ અને એક આઉટ પોસ્ટ ટાવરનું ઇ-ઉદઘાટન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહે તેમના સંબોધનની શરૂઆતમાં અંગ્રેજોની ઊંઘ હરામ કરનાર ત્રિપુટી બાળ ગંગાધર ટિળક, લાલા લજપતરાય અને બિપીનચંદ્ર પાલ કે જેઓ લાલ, બાલ અને પાલના હુલામણા નામથી પ્રચલિત હતા તેમના યોગદાનનું સ્મરણ કરી બિપીનચંદ્ર પાલની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ પોતાની જાન અને પરિવારની પરવા કર્યા સિવાય પરાક્રમ દર્શાવી દેશની રક્ષા કરનાર પરમવીર ચક્રથી સન્માનિત શહીદ પીરૂસિંહની જન્મજયંતી નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની સ્મૃતિમાં અંદામાન નિકોબાર ખાતે એક દ્વીપ શહીદ પીરૂસિંહના નામથી નામાંકિત કર્યો છે.
અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયથી આજે દેશની તટિય સુરક્ષાને સુનિશ્ચિત કરતું મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે, મારુ સૌભાગ્ય છે કે તેમાં મને સહભાગી થવાનો અવસર મળ્યો છે. જ્યાં સુધી દેશની સુરક્ષાનો પ્રશ્ન છે તો સુરક્ષા ક્ષેત્રે આંકલન કરતા નિષ્ણાંતો સ્વીકારે છે કે,  નરેન્દ્રભાઇ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ દેશની સીમાઓ સુરક્ષિત બની છે દેશની સુરક્ષા મજબૂત બની છે. સીમાવર્તી વિસ્તારના નાગરિકો તેમજ મધ્ય ભાગના નાગરિકો સુરક્ષિત મહેસૂસ કરે છે. સીમા સુરક્ષિત કરવા માટે મહત્વની બાબત છે કે સીમા સુરક્ષા દળો માટે રહેવાની તેમજ કામ કરવાની સુવિધામાં વધારો, તેમના પરિવારની સુરક્ષા અને સ્વાસ્થ્યની ચિંતા તેમજ સુરક્ષા માટે આધુનિકતમ સાધન પૂરા પાડવાના કામમાં  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારે કોઈ કસર બાકી રાખી નથી, દેશની સુરક્ષા સુનિશ્ચિત કરતા જવાનોને તમામ સુવિધા પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
 શાહે જણાવ્યું હતું કે, વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં સાતત્યપૂર્ણ તેમજ સુચારુ રીતે તટીય સુરક્ષાની સુનિશ્ચિતતા માટે વિવિધ રાજ્યોના તટીય પોલીસ સ્ટેશનના કર્મીઓને સ્થાયી અને આધુનિક પ્રશિક્ષણ વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 450 એકર ભૂમિમાં રાષ્ટ્રીય કોસ્ટલ પોલીસ એકેડમીની શરૂઆત કરવામાં આવી જેના સંપૂર્ણ વિસ્તૃતિકરણનું ભૂમિપૂજન આજે કરવામાં આવ્યું છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાથી સમગ્ર દેશના તટીય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 12000 જવાનોના પ્રશિક્ષણનું કામ ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ પર થવાનું છે તે સૌ ગુજરાતીઓ માટે ગર્વની બાબત છે. ઘણી વખત કેટલાક વિવેચકો જણાવે છે કે, નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ દેશની સીમા પર કે જ્યાં ઓછી આબાદી વસવાટ કરે છે ત્યાં ખર્ચ વધુ થાય છે તેને  મધ્યવર્તી વિસ્તારો કે જ્યાં મોટા પ્રમાણમાં આબાદી છે ત્યાં કરવો જોઈએ. પરંતુ જો દેશની સીમા સુરક્ષિત હશે તો જ દેશમાં કોઈપણ વિસ્તારમાં વિકાસ શક્ય છે, સીમા સુરક્ષાની સુનિશ્ચિતતા સિવાય દેશનો વિકાસ શક્ય નથી.
 શાહે જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારતીય નૌસેના અને એનસીબીએ સાથે મળીને સુચના એજન્સીના સહયોગથી કેરળના સમુદ્રી વિસ્તારમાંથી સાથે 12000 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. યુપીએ ના દસ વર્ષના શાસનમાં કુલ 680 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું જ્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સમયમાં એક જ ઓપરેશનમાં 12000 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. સ્પષ્ટપણે દર્શાવે છે કે સમુદ્રી સીમા પર ભારતીય સુરક્ષા બળોની સતર્કતા વધી છે. ભારતની 15500 કિલોમીટર લાંબી ભૂમિ સીમા છે, 7516 કિલોમીટર લાંબી સમુદ્ર સીમા છે જેમાં 5422 કિ.મી. જમીની સીમા છે અને 2000 કિમી જેટલી દ્વીપ સીમા છે. ભારતમાં સમુદ્ર કિનારે 1382 દ્વીપ સમૂહ, 337 ગામ, 11 પ્રમુખ બંદરગાહ, 241 ગેરપ્રમુખ બંદરગાહ તેમજ સ્પેસ, ડિફેન્સ, એટોમિક એનર્જી, પેટ્રોલિયમ, શિપિંગક્ષેત્રના 135 સોપાનો સમુદ્રી સીમા પર છે.
 શાહે જણાવ્યું હતું કે, મુંબઈ આતંકી હુમલા બાદ દરિયાઈ સીમાની સુરક્ષા પર વિશેષ વિચાર કરવાની જરૂરિયાત મહેસૂસ થઈ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2018 માં રાષ્ટ્રીય તટીય પોલીસ એકેડમી (NACP)ને મંજૂરી આપી અને ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર નગરીથી નજીક ઓખા ખાતે સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો. દ્વારકાધીશની નગરીને દ્વારિકા નામથી પણ ઓળખવામાં આવે છે ત્યારે પ્રવેશદ્વાર સમાન આ ભૂમિ પર દેશના તટીય પોલીસ સ્ટેશનના કર્મીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. વિસ્તૃતિકરણનું કાર્ય પૂર્ણ થયા બાદ એક વર્ષમાં અંદાજિત 3000 જવાનોની ટ્રેનિંગની વ્યવસ્થા થશે જેથી ચાર વર્ષમાં દેશના તમામ કોસ્ટલ પોલીસ સ્ટેશનના 12000 જવાનોની ટ્રેનિંગ પૂર્ણ થશે.
 શાહે જણાવ્યું હતું કે, દેશની એક એક ઇંચ જમીન માટે બીએસએફના જવાનોએ શરીરના રક્તનું અંતિમ બિંદુ ન્યોછાવર કરવા સુધી પરાક્રમની પરાકાષ્ઠા કરી છે, યુદ્ધના સમયે ઘણી વખત બીએસએફના જવાનોએ સેનાથી ખભે થી ખભો મિલાવીને દુશ્મનોને હરાવ્યા છે, બીએસએફની વીર ગાથા અંગે દેશના નાના બાળકોને પણ ખબર છે. બોર્ડર પર બીએસએફ તૈનાત છે એટલે દેશની જનતા શાંતિથી ઊંઘ લઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ભારતીય નૌસેના, કોસ્ટ ગાર્ડ, સમુદ્રી પોલીસ અને માછીમારો એમ બધાની સુરક્ષાનું સુદર્શન ચક્ર બનાવવા માટે સુગઠિત સમુદ્રી સુરક્ષા નીતિ અપનાવી છે. ઇન્ટીગ્રેટેડ વિચાર કરી બનાવેલી નીતિ અને રણનીતિના માધ્યમથી તટને સુરક્ષિત કરવાનું કાર્ય કર્યું છે. બીએસએફના જવાનો માતા, પિતા, પત્ની, બાળકો અને પરિવારથી સેંકડો કિલોમીટર દૂર આપણા માટે તેમના જીવનકાળના યુવાનીના સુવર્ણ વર્ષો દરિયાકાંઠે કે સીમા પર પસાર કરી આપણી સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
 શાહે વધુમાં જણાવ્યું હતું કે, દેશે ભૂતકાળમાં તટીય સુરક્ષાની બેદરકારીના લીધે ઘણા દુષ્પરિણામો ભોગવ્યા છે, ચૂકને લીધે દુનિયામાં દેશની સુરક્ષાની કિરીકિરી મુંબઈ હુમલા બાદ થઈ હતી. દેશનો કોઈ રાષ્ટ્રભક્ત નાગરિક મુંબઈ હુમલાને ભૂલી ન શકે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તટિય સુરક્ષાની સર્વગ્રાહી નીતિ અપનાવ્યા બાદ સમુદ્રી રસ્તે આતંકી ઘટનાને અંજામ આપવો અશક્ય બન્યો છે. આતંકીઓના દાંત ખાટા કરી દેવાય તેવો જવાબ આપવામાં ભારત સક્ષમ બન્યું છે.  કેન્દ્રની ભાજપ સરકારે અનેક સ્તંભો પર તટીય સુરક્ષાની નીતિને આલેખિત કરી છે. તટીય સુરક્ષા અને ઇન્ટેલિજન્સના વિષયમાં સમન્વય અને સંવાદ, રોલિંગના પ્રોટોકોલ દ્વારા સમયાંતરે પેટ્રોલિંગ, દસ લાખથી વધુ ક્યુઆર કોડ વાળા આધાર કાર્ડ માછીમારોને વિતરણ, માછીમારોની સુરક્ષા, હજાર પાંચસો 37 ફિશિંગ પોઇન્ટની સુરક્ષા, બ્લુ ઇકોનોમી માટે બનાવેલા મત્સ્ય બંદરો પર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. દેશની તટીય સુરક્ષા માટે અભેદ દુર્ગ બનાવવાનું કાર્ય ભાજપાની નરેન્દ્રભાઇ મોદીની સરકારે કર્યું છે.
 શાહે સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી પરિષદના કામથી 1982 માં પોરબંદર જવાનું થયું ત્યારે બોર્ડ જોયું હતું કે પોરબંદરની સીમા અહીં શરૂ થાય છે કાયદો અને વ્યવસ્થા અહીં પૂર્ણ થાય છે. કોંગ્રેસના શાસનમાં પોરબંદરની જેલ નોટિફિકેશન કાઢી બંધ કરવી પડી હતી. પોરબંદર દાણચોરીનું કેન્દ્ર બન્યું હતું. નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી થયા અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થાપના થઈ. પોરબંદરની જેલ પણ શરૂ થઈ ગઈ, ચોરોએ ગુજરાત છોડી બીજે નાસવું પડ્યું. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને સુરક્ષિત કરવાનું કામ કામ કર્યું છે. કચ્છની સીમા, સરક્રીક, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા સહિતના દરિયાકિનારાને સુરક્ષિત કરવાનું કામ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. દેશના પ્રધાનમંત્રીના રૂપમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય સરકારોને સાથે રાખી દેશના દરિયાકાંઠાના વિસ્તારની સુરક્ષા માટે ટ્રેનિંગ એકેડેમીની સ્થાપના કરી છે. ગુજરાત માટે ગૌરવની બાબત છે કે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સમુદ્રી પોલીસ સ્ટેશનના કર્મીઓની ટ્રેનીંગનું હબ અહીં બનશે.

આ કાર્યક્રમમાં જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, ધારાસભ્ય  પ્રભુભા માણેક, ગૃહ વિભાગ ભારત સરકારના મુખ્ય સચિવ અજય ભલ્લા, બીએસએફ ડીજીપી સુજોય લાલ થાઓસેન, સબંધિત અધિકારીગણ, બીએસએફના જવાનો ઉપરાંત સ્થાનિક ભાજપા અગ્રણીઓ, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતાં

 

(9:29 pm IST)