Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

મોરબીના લાતીપ્લોટમાં ઘડિયાળના કારખાનામાં આગ લાગી.

આગ એટલી ભીષણ હતી કે ૩ માળની ઇમારત આખી બળીને ખાખ

મોરબીના ઘડિયાળનું હબ ગણાતા લાતીપ્લોટ વિસ્તારમાં આજે વહેલી સવારે અગમ્ય કારણોસર ઘડિયાળના કારખાનામાં વિકરાળ આગ ભભૂકી હતી. આગ એટલી ભીષણ હતી કે ૩ માળની ઇમારત આખી બળીને ખાખ થઈ ગઈ હતી. આ અંગેની ફાયરની ટીમને જાણ કરતા ફાયફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

મોરબીના લાતીપ્લોટમાં આવેલ મંગલમ કલોક નામના કારખાનામાં સવારે પાંચ વાગ્યે આગ ફાટી નીકળી હતી.જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સર્જાયા હતા. આગની આ દુર્ઘટનામાં ઘડીયાળ બનાવવાનો કાચો માલ અને અન્ય સામગ્રી સહિતની વસ્તુ ભસ્મીભૂત થવાને પગલે મોટુ નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આગ લાગ્યા અંગેની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ સત્વરે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ સતત પાણીનો મારો ચલાવીને વિકરાળ આગને કાબુમાં લેવા માટેના પ્રયાસ ફાયર કર્મીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી જોકે ૩ માળની ઇમારત આગમાં સ્વાહા થતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

(11:36 pm IST)