Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

કચ્છમાં ફૂટયો કોરોના બોમ્બ : ૨૧ પોઝિટિવ સાથે કુલ ૫૪ કેસ

નવા ૪૬ દર્દીઓ રેડઝોન મુંબઇનાઃ સમગ્ર કચ્છમાં ફફડાટનો માહોલઃ ત્રણ જ દિ'માં ૩૮ દર્દીઓ

ભુજ તા. ૨૦ : સરકાર દ્વારા રેડઝોનમાંથી કચ્છમાં પ્રવેશ આપવાની ભૂલ અને બહારથી આવેલા હજારો લોકોને કવોરેન્ટાઇનમાં રાખી તેમની તબીબી તપાસ કરવાની કચ્છના તંત્રની બેદરકારીની સજા કચ્છના લોકો ભોગવી રહ્યા છે. ગઈકાલે એક સાથે વધુ ૨૧ દર્દીઓને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થયા બાદ રીતસર કચ્છીઓ ફફડી ઉઠ્યા છે. ચિંતાજનક વાત એ છે કે, કચ્છ ગઈકાલે રાજયમાં દર્દીઓની સંખ્યા વધવાને મામલે અમદાવાદ, સુરત પછી ત્રીજા ક્રમે હતું.

વળી, કચ્છના મોટાભાગના વિસ્તારોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. તંત્રએ ગઈકાલે જે ૨૧ દર્દીઓની યાદી જાહેર કરી હતી તેમા અનેક ભૂલો અને છબરડા હતા. નવા તમામ ૨૧ દર્દીઓ રેડઝોન મુંબઈથી આવેલા છે, જેમાં ૪ મહિનાના બાળકથી માંડીને ૭૧/૭૨ વર્ષના વૃદ્ઘ દંપતી પણ સામેલ છે.

ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ ૨૧ દર્દીઓ વિશે માહિતી આપ્યા પછી દર્દીઓ અંગેની જાણકારી આપવામાંથી તંત્ર બચતું રહ્યું હતું. રાત્રે મોડેથી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે આપેલી જાણકારી પ્રમાણે તમામ દર્દીઓ કવોરેન્ટાઈન હતા અને તેમના શંકાસ્પદ તરીકે સેમ્પલ લેવાયા હતા. આ ૨૧ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને ભુજની કોવિડ ૧૯ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.  હવે કચ્છ જિલ્લામાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને ૫૪ થઈ ગયો છે. જેમાં ૧ દર્દી મુંબઇનો ક્રુ મેમ્બર હોઈ તેને રાજય બહારનો ગણાઈ રહ્યો છે.(૨૧.૩)

(11:30 am IST)