Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ભૂપગઢ પાસે છકડો પલ્ટી જતાં દેવશીભાઇ ભરવાડનું મોતઃ કોળી બંધુ સહિત ૩ ઘવાયા

સર ગામેથી ભૂપગઢ ખરખરે જતી વખતે બનાવઃ છકડો ચાલક દેવશીભાઇએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ કોળી પરિવારના ત્રણ સારવાર હેઠળ :દેવશીભાઇ વૃધ્ધ માતા-પિતાના એકના એક આધારસ્તંભ હતાં

દેવશીભાઇ ભરવાડનો નિષ્પ્રાણ દેહ અને ઇજાગ્રસ્તો પૈકીના માવજીભાઇ કોળી

રાજકોટ તા. ૨૦: સરધારના ભૂપગઢ નજીક છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતાં ચાલક સર ગામના ભરવાડ પ્રૌઢનું મોત નિપજ્યું છે. જ્યારે તેમાં બેઠેલા કોળી પરિવારના ત્રણ લોકોને ઇજા થઇ છે. આ લોકો સર ભૂપગઢ ગામે ખરખરાના કામ સબબ જઇ રહ્યા હતાં અને આ બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ સર ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં કોળી માવજીભાઇ કાનાભાઇ ભરાડીયા (ઉ.૫૦)ના કુટુંબમાં ભૂપગઢ ગામે એક બે માસના બાળકનું મૃત્યુ થયું હોઇ તેના ખરખરે જવા માટે તેઓ આજે સવારે પોતાના મોટા ભાઇ જસમતભાઇ કાનાભાઇ ભરાડીયા (ઉ.૬૦) તથા અન્ય કુટુંબી જમુનાબેન સોમાભાઇ ભરાડીયા (ઉ.૫૫) સાથે ગામના જ દેવશીભાઇ દેવાભાઇ માટીયા (ભરવાડ) (ઉ.૫૦)ની છકડો રિક્ષામાં બેસી ભૂપગઢ જવા નીકળ્યા હતાં.

દરમિયાન રિક્ષા ભૂપગઢના પાટીયા પાસે પહોંચી ત્યારે એક બાઇક ચાલક અચાનક આડે ઉતરતાં તેને બચાવવાના પ્રયાસમાં રિક્ષા પલ્ટી ખાઇ જતાં દેવશીભાઇ તથા કોળી પરિવારના ત્રણને ઇજા થતાં ચારેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં દેવશીભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે માવજીભાઇ સહિત ત્રણને દાખલ કરાયા છે. જેમાં માવજીભાઇને ત્રણ જેટલા ફ્રેકચર થયા છે.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ રબારી અને અક્ષય ડાંગરે જાણ કરતાં આજીડેમના પીએસઆઇ એસ.આર. પટેલ તથા કિરીટભાઇ રામાવતે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. મૃત્યુ પામનાર દેવશીભાઇ તેના વૃધ્ધ માતા-પિતાના એકના એક આધારસ્તંભ પુત્ર હતાં. તે છકડો હંકારી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે.

(4:05 pm IST)