Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

પાકિસ્તાન ભાગીને પસ્તાયા હતા જુનાગઢના નવાબ

નવાબના વંશજો પાકિસ્તાનમાં છે બેહાલઃ ના તો માન સન્માન છે, ન સંપતિઃ જુનાગઢ હૈદરાબાદ પછીનું બીજા નંબરનું સમૃધ્ધ રાજય હતું

ભાગલા પછી જયારે સરદાર વલ્લભભાઇ પટેલ પ૦૦થી વધુ રીયાસતોનો વિલય કરી રહ્યા હતા ત્યારે જુનાગઢના નવાબ પાકિસ્તાનમાં જોડાવા ઇચ્છુક હતા પણ તેમના રાજયમાં હિંદુ વસ્તી વધારે હતી. આ વસ્તી ઇચ્છતી હતી કે જુનાગઢ ભારતમાં જોડાય. જુનાગઢના નવાબે આના માટે ઘણી ચાલો ચાલી પણ તેમની દરેક ચાલ ઉલ્ટી પડી હતી. પછી તે જીણા સાથે એક સમજૂતી કરીને પાકિસ્તાન ભાગી ગયા. જો કે થોડાક વર્ષો પછી તેમની સ્થિતિ પાકિસ્તાનમાં ખરાબ થઇ ગઇ હતી. અત્યારે તેમના વંસજો ત્યાં અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.

જુનાગઢના આ નવાબનું નામ હતું મોહમ્મદ મહાબત ખાન તૃતિય રસૂલખાનજી પાકિસ્તાનમાં અત્યારે નવાબના વંશજોને ગુજરાન માટે મહીને જે પૈસા મળે છે તે પટ્ટાવાળાના પગાર કરતા પણ ઓછા હોય છે. નવાબના પરિવારના લોકો પાકિસ્તાની મીડિયામાં એવું દર્શાવવાની કોશિષ કરી રહ્યા છે કે પાકિસ્તાન માટે તેમણે કેટલી કુરબાનીઓ આપી છે પણ આ દેશે તેમને હાંસિયામાં ધકેલી દીધા છે. જો કે તેઓ જુનાગઢના ભારત વિલય મામલાને વિવાદાસ્પદ બનાવવાની કોશિષ કરે છે પણ હવે કોઇને તેમાં રસ નથી.

પાકિસ્તાનના કરાંચીમાં નવાબ મહાબત ખાનના ત્રીજા વંશજ અત્યારે રહે છે તેમનું નામ નવાબ મુહમ્મદ જહાંગીર ખાન છે. થોડા સમય પહેલા તેમણે પાકિસ્તાનમાં કહ્યું હતું કે જો અમને ખબર હોત કે પાકિસ્તાનમાં અમારી આવી દશા થશે તો અમે ભારત છોડીને અહીં કયારેય ન આવત.

પાકીસ્તાનમાં પ્રકાશિત થતા એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં મુહમ્મદ જહાંગીરે પોતાની નારાજી જાહેર કરતા કહ્યું કે આઝાદી પછી ભાગલાના સમયે મોંહમદ અલી જીણા સાથે થયેલ એક સમજૂતી હેઠળ અમારો પરિવાર પાકિસ્તાન આવ્યો હતો.

જુનાગઢ એ વખતે હૈદરાબાદ પછીનું બીજા નંબરનું સૌથી ધનવાન રાજય હતું. નવાબ પોતાની સંપતિ જુનાગઢમાં છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. તેમણે જુનાગઢની સંપતિની અવેજીમાં પાકિસ્તાનમાં કોઇ સંપતિ પણ નહોતી માંગી તો પણ પાકિસ્તાને તેમને તેમના હાલ પર છોડી દીધા હતા.

અત્યારે નવાબ પરિવારની પરિસ્થિતી એવી છે કે હાલની પાકિસ્તાન સરકાર તેમને બીજા રાજવી પરિવારો જેવું માન સન્માન નથી આપતી કે નથી તેમને કોઇ ગણત્રીમાં લેતી. દુઃખ એ વાતનું છે કે પોતાના જે વજીરની ઉશ્કેરણીમાં આવીને તે પાકિસ્તાન ભાગ્યા હતા, તે વજીર ભુટ્ટોનો પરિવાર પાકિસ્તાનમાં મુખ્ય રાજકીય પરિવાર બની ગયો.

જુનાગઢના નવાબ મહાબત ખાન અને દિવાન શાહ નવાઝ ભુટ્ટોની ઇચ્છા હિન્દુ બહુમતી વસ્તી છતાં પાકિસ્તાનમાં વિલય ની હતી. મહમદઅલી ઝીણાએ તેમને પાકિસ્તાનમાં વિલય માટે મોટા મોટા સપનાઓ બતાવ્યા હતા.

ઝીણા પેપર્સ અનુસાર જુનાગઢના દિવાન અને ઝુલ્ટ્રીકાર અલી ભુટ્ટોના પિતા શાહનવાજે પાકિસ્તાનના વડાપ્રધાન લીયાકત અલીખાનને ૧૯ ઓગસ્ટે પત્ર લખ્યો કે અમે જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવા માટે ઔપચારીક સ્વીકૃતિની રાહ જોઇ રહ્યા છીએ. અમને આનંદ થશે જો આ જલ્દીથી તેનો અમલ કરશો. આ બાબતમાં મોડું થતું જોઇને તેમણે ૪ સપ્ટેમ્બરે ફરીથી ઝીણાને રીમાઇન્ડર લખ્યો કે પાકિસ્તાન નહીં ઇચ્છે કે જુનાગઢ તેના હાથમાંથી છટકી જાય. ઝીણાએ જવાબ આપ્યો કે અમે કાલે કેબિનેટમાં આ અંગે ચર્ચા કરશું. પાકિસ્તાને આઠ સપ્ટેમ્બરે પાકિસ્તાન જુનાગઢ સમજૂતિની જાહેરાત  કરતા કહ્યું કે જુનાગઢના શાસક પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર છે.

નેહરૂએ આનો વિરોધ કરતા ૧૨ સપ્ટેમ્બરે બીયાકતઅલી ખાનને પત્ર લખ્યો કે જુનાગઢની ૮૦ ટકા વસ્તી હિંદુ છે અને તેમનો મત લેવામાં નથી આવ્યો એટલે આ બાબત જુનાગઢના લોકોની સંમતિ વગર ન ઉઠાવી શકાય. ભારત સરકાર જુનાગઢના પાકિસ્તાનમાં વિલયની પરવાનથી નહીં આપે. વિલયનો કોઇ બંધારણીય આધાર નથી અને આ મામલો ભારત અને જુનાગઢ વચ્ચેનો છે.

ત્યાર પછી પણ ૧પ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ જુનાગઢે ઔપચારિક રીતે પાકિસ્તાન સાથે વિલયનો સ્વીકાર કરી લીધો. ત્યારપછી ભારતીય સ્ટેન્યને ત્યાં રવાના કરવામાં આવ્યું. ભુટ્ટોને સમજાઇ ગયું કે હવે ખતરો છે એટલે તેણે ૧૬ સપ્ટેમ્બરે બીયાકતની મદદ માંગતા કહ્યું કે અમને એટલું તો જણાવો કે તમે અમને કઇ રીતે મદદ કરશો અને અમારે શું કાર્યવાહી કરવી.

આ અંગે લોર્ડ માઉન્ટબેટને રાજાને રીપોર્ટ આપ્યો જેમાં તેમણે લખ્યું કે જુનાગઢ મામલે સાંજે એક કેબીનેટ મીટીંગમાં વિચાર કરવામાં આવશે જો કે સૈનિક કાર્યવાહી જ આનો એક માત્ર ઉપાય છે. ભારતીય ફોજની હિલચાલ અંગે ઝીણાએ માઉન્ટબેટનને કરેલી ફરીયાદનો માઉન્ટબેટને આપેલા જવાબનો સાર એ જ હતો કે પાકિસ્તાન જે કરી રહ્યું છે તે ભારત સરકાર સાથેની તેની સમજૂતીનો ભંગ છે. જુનાગઢની વસ્તીનો વિલય અંગે જે મત લેવામાં આવ્યો તેમાં ૮૦ ટકા વસ્તીએ ભારત સાથે રહેવાનુ કહ્યું હતું. પછી પાકિસ્તાન નિરૂત્તર થઇ ગયું. ૨પ સપ્ટેમ્બરે જુનાગઢને મુકત કરાવી લેવાયું. 'સરદાર લેટર્સ' નામના પુસ્તક અનુસાર મુંબઇમાં તે દિવસે સ્વતંત્ર જુનાગઢની અસ્થાયી સરકાર બનાવવામાં આવી.

૯ નવેમ્બરે ભારતીય સૈન્યે જુનાગઢમાં પ્રવેશ કર્યો અને જુનાગઢ કબ્જે કર્યુ. આ રીતે જુનાગઢ આઝાદ થયું. જો કે કાયદેસરની મહોર ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૯ના દિવસે લાગી જયારે ભારતે ત્યાં જનમત લેવડાવ્યો. કુલ ૨, ૦૧, ૪૫૭ મતદારોમાંથી ૧, ૯૦, ૮૭૦ લોકોએ મત આપ્યો. પાકિસ્તાનની તરફેણમાં ફકત ૯૧ મત પડયા હતા.

(11:48 am IST)