Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ ન થાત

શ્રી સોમનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી

વેરાવળ-પ્રભાસ પાટણ, તા. ૨૦ :. ભારતના બાર દિવ્ય શિવ જ્યોતિર્લીંગમાના પ્રથમ દેવાધિદેવ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો તિથી પ્રમાણે આજે પાટોત્સવ છે. આજે વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

તા. ૧૧ મે ૧૯૫૧ અને તે સમયની વૈશાખ સુદ પાંચમના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

પ્રતિષ્ઠા સવારે ૯.૪૬ મીનીટે થઈ હતી આ દિવસના અનુસંધાને પ્રતિ વર્ષ તિથિ અને તારીખ મુજબ સોમનાથ મહાદેવ મંદિર મહાપૂજા, ધ્વજારોહણ, દિપમાળા, વિશેષ શણગાર અને ખાસ અભિષેકથી પ્રતિષ્ઠા દિન ઉજવાય છે.

સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ સદીની મહાન ઘટનાઓમાં ગણાય છે.

સોમનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા સમયે તે સમયે ભોળાનાથ ભગવાનને વિશ્વની ૧૦૮ નદી-સમુદ્રના જળનો અભિષેક કરવામાં આવ્યો હતો.

વેદ યુગથી વેબ યુગમાં પહોંચેલા આ ભવ્ય મંદિરની દરરોજની સવાર-સાંજ-મધ્યાહન આરતી અને દર્શન ડીઝીટલ ક્રાંતિથી વિશ્વના ખૂણે-ખૂણે સુધી પહોંચે છે.

પ્રાચીન ખંડિત થયેલ સોમનાથ મંદિરની જે તે સમયે ગુજરાતના સાક્ષર કનૈયાલાલ મુનશીએ જયારે મુલાકાત લીધી હતી તે સમયે તેણે કહેલા આ રહ્યા શબ્દો ''ખંડીત-ભસ્મીભુત થયેલ અને પરાજીત એવું આ તિર્થ આપણા અપમાન અને આપણી અકૃતજ્ઞતાનું સ્મારક બની રહ્યું છે.''

વહેલી સવારે સભાખંડમાં તુટેલ ફરસ,  ખંડીત સ્તંભો અને વેરવિખેર પત્થરો જોઇ મારું હદય શરમ અનુભવ્યું. મારા અપરિચીત પગલાનો અવાજ સાભળી ગરોળીઓ પોતાના દરમાંથી બહાર ડોકાઇ પાછી સંતાઇ જીતી અને કોઇક અધિકારીઓનો ત્યાં બાંધેલો ઘોડો મારા આગમનને સાંભળી માથું ધુણાવતો હણહણી ઉઠયો હતો.

૧૯૪૭માં ભારત આઝાદ થયું અને ૧૩ નવેમ્બરે કાતક સુદ એકમના સપરમાં પર્વે ભારતના સપુત વલ્લભભાઇ પટેલે સોમનાથ ખાસ આવ્યા અને તે મંદિરની દુર્દશા-ખંડેર જોઇ તેનું હદય દ્રવી ઉઠયું તુરતજ સોમનાથના સમુદ્ર સ્થળે પહોંચી હાથમાં સમુદ્રના જળની અંજલી લઇ દ્રઢ સંકલ્પ કર્યો કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થવું જ જોઇએ.

૧૯ એપ્રિલ ૧૯૫૦ ના રોજ તત્કાલીન સોૈરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઇના હસ્તે જુના ખંડીત મંદિરના સ્થાને ભૂમિ ખનન વિધી કરી અને મંદિરનું નવસર્જન થયું ૮મે ૧૯૫૦ ના રોજ નવાનગરના મારાજા જામસાહેબ વરદ્ હસ્તે શિલાન્યાસ થયો અને ૧૯૫૧, ૧૧ મી મે વૈશાખ સુદ પાંચમે નવનિર્મિત મંદિરમાં શિવલીંગ પ્રાણપ્રતિષ્ઠા થઇ.

આજે સોમનાથ દાદાનું મંદિર સુર્વણથી ઝળહળા તરફ ક્રમશઃ આગળ વધી રહ્યું છે, પ્રવાસ- આસ્થા વ્યવસ્થા દ્રષ્ટીએ દેશ- રાજયનું ગોૈરવંતું મંદિર વિશ્વ નકશામાં બની ચુકયું છે.

(11:51 am IST)