Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

બ્રોડગેજમાં ફેરવવા રૂ. ૩૭૫ કરોડની કેન્દ્ર સરકારની ગ્રાન્ટની અમલવારી સત્વરે કરવા રજુઆત

તાલાલા - ઢસા - તાલાલા - વેરાવળ, તાલાલા-દેલવાડા જતી રેલ્વેલાઇનને : રેલ્વે હિતરક્ષક સમિતિ - ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદન પત્ર પાઠવાયું

તાલાલા ગીર તા.૨૦: તાલાલા-વિસાવદર સહિત જુનાગઢ અમરેલી અને ગીરસોમનાથ જીલ્લાના સંપૂર્ણ વિકાસ માટે ત્રણેય જીલ્લામાં સો વર્ષ પહેલા અંગ્રેજો એ પાથરેલ મીટરગ્રેજ રેલ્વે લાઇનનું બ્રોડગેજમાં રૂપાતર કરવા કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની સરકારે કેન્દ્રના અને ૨૦૧૬-૧૭ના બજેટમાં ફાળવેલ રૂ. ૩૭૫ કરોડની ગ્રાન્ટનું ત્વરીત અમલવારી કરી ત્રણેય જીલ્લામાં બ્રોડગેજ લાઇનનું કામ શરૂ કરવા કેન્દ્રના રેલ્વે મંત્રી સમક્ષ માંગણી કરવામાં આવી છે.

તાલાલાના સીનીયર એડવોકેટ શ્રી મનસુખભાઇ કંભાણીની રાહબરી હેઠળ તાલાલા પંથકના જાગૃત ચિંતકોએ ભાવનગર રેલ્વે ડીવીઝન મેનેજર મારફત રેલ્વે મંત્રીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે તાલાલા ગીરથી વિસાવદર વચ્ચેની મીટરગેજ રેલ્વેને હેરીટેઝ ટુરીઝમ જાહેર કરી આ મીટરગેજ રેલ્વેલાઇન ઉપર ''હેરીટેઝ ટ્રેન'' શરૂ કરવાનો નિર્ણય જુનાગઢ- અમરેલી અને ગીરસોમનાથ જીલ્લાના વિકાસથી વંચિત ત્રણેય જીલ્લાની પ્રજાનું બ્રોડગેજ લાઇનની આશા ઉપર પાણી ફેરવી નાખવાનો તદન અયોગ્ય નિર્ણય હોય આ નિર્ણય તત્કાલીક અસરથી બદલી નાખવો જોઇએ.

આઝાદીના સાત દાયકા પછી પણ અમરેલી-જુનાગઢ અને ગીરસોમનાથ જીલ્લો વિકાસથી વંચિત હોય ત્રણેય જીલ્લાનું પછાતપણું દુર કરી ત્રણેય જીલ્લાના લોકોને ભવિષ્યને ધ્યાને લઇ ત્રણેય જીલ્લામાં વિકાસના દ્વાર ખોલવા કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદી સરકારે મીટરગેજ રેલ્વે લાઇનનું બ્રોડગેજ માં રૂપાંતર કરવા રૂ.૩૭૫ કરોડની રકમ સાથે જે નિર્ણય કરેલ છે. આ નિર્ણય ત્રણેય જીલ્લાની પ્રજા માટે યોગ્ય છે. આ નિર્ણય ત્રણેય જીલ્લાના વિસ્તારને આધુનિક યુગ તરફ લઇ જશે. માટે તાલાલ- વિસાવદર ની ૪૨ કિ.મી. મીટરગેજ લાઇન ઉપર હેરીટેઝ ટ્રેન શરુ કરવાના નિર્ણય ને બદલે ત્રણેય જીલ્લાના સર્વાગી  વિકાસ માટે મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાના નિર્ણયને યથાવત રાખવા આવેદન પત્ર ના અંતમા માંગણી કરી છે.

ત્રણેય જીલ્લા માટે આર્શિવાદ સમાન બ્રોડગેજ લાઇન પાથરવાના થયેલ નિર્ણયની અમલવારી કરવામાં નહી આવે તો ત્રણેય જીલ્લાના રાજકીય અગ્રણીઓ- રેલ્વે તુતરક્ષક સમિતિ તથા વિવિધ વિસ્તારના ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સામાજિક-સેવાકિય સંસ્થાનો સહયોગ મેળવી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આવેદનપત્રમાં આપવામાં આવી છે.

(11:34 am IST)