Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

માત્ર ૨પ પૈસાના વધારા માટે ગોંડલ યાર્ડમાં મજુરોની હડતાલ બીજે દિ યથાવત

ગોંડલ, તા.૨૦ : સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ધાણા, જીરૂ, મરચા, દ્યઉં, કપાસ સહિતની વિવિધ જણસીની આવક થતી હોય વર્તમાન સમયમાં વેપારી મંડળ અને મજૂર મંડળ દ્વારા ૨૦ કિલો તોલાટ મજૂરીની રૂ.૨ નક્કી કરવામાં આવેલ છે, જયારે આજે મજુર મંડળ દ્વારા પચીસ પૈસા મજૂરી વધારી આપવાની માંગ કરાતાં તેમજ વેપારી મંડળ દ્વારા આ માંગ ને સ્વીકારવામાં ના આવતા હરરાજી સહિતના કામકાજો બંધ રહ્યા હતા. મજૂરી વધારવા બાબતે બંને મંડળો આમને-સામને આવી જતાં આજે બીજા દિવસે પણ મજુરોની હડતાલ યથાવત છે અને કામકાજ ઠપ્પ છે

માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયંતિભાઇ ઢોલે જણાવ્યું હતું કે મજૂરી બાબતે વેપારી અને મજૂર મંડળ વચ્ચે ગજગ્રાહ સર્જાતા હરાજીના કામકાજ ઠપ્પ થયા છે, આવતીકાલે પણ થઈ પરિસ્થિતિ રહે તેવી શકયતા છે, માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા કોન્ટ્રાકટ બેઝ ઉપર મજૂરોને લાવવા કાર્યવાહી હાથ ધરાઇ છે. જયારે મજૂરી બાબતે વેપારીઓએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રની અન્ય માર્કેટિંગ યાર્ડ કરતા વધુ મજુરી ચૂકવી જ રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં વર્તમાન સમયમાં રૂ ૧.૮૦ મુજબ મજૂરી ચૂકવવામાં આવી રહી છે ૨૦ પૈસા ગોંડલમાં વધુ મજુરી ચુકવાઇ રહી છે તો હજુ ૨૫ પૈસા મજૂરી કેમ વધુ ચૂકવી શકીએ.

બોકસ : ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં જણસી નું રોજિંદા આઠથી દસ કરોડનું ટર્નઓવર થઈ રહ્યુ છે માર્કેટીંગ યાર્ડમાં ૧૧૦ થી પણ વધારે વેપારીઓ આવેલા છે જયારે ૨૫૦ થી પણ વધુ મજૂરો રોજીરોટી કમાઈ રહ્યા હોય એક મજૂર અંદાજે રોજિંદા રૂ ૫૦૦ થી ૮૦૦ મજૂરી કરી કમાઈ રહ્યા છે.

(11:24 am IST)