Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ત્રણ વર્ષ જૂના કેસમાં હાર્દિક પટેલની અંતે ધરપકડ કરાઈ

ટંકારામાંથી હાર્દિકપટેલની નાટયાત્મક ઢબે ધરપકડ : ફરી એકવાર હાર્દિકની ધરપકડ કરાતાં કોંગ્રેસ અને ખાસ કરી પાટીદાર વર્ગમાં ભારે નારાજગીની ફેલાયેલી લાગણી

અમદાવાદ,તા. ૨૦ : ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની ટંકારા(મોરબી)કોર્ટમાંથી ત્રણ વર્ષ જુના કેસમાં રામોલ પોલીસ અને બોપલ પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા ઘણા દિવસથી ભૂગર્ભમાં ઉતરેલો હાર્દિક પટેલે થોડા દિવસ પહેલા સુરત કોર્ટમાં હાજરી આપી હતી. જો કે, ફરી એકવાર હાર્દિકની ધરપકડ કરાતાં કોંગ્રેસ અને ખાસ કરીને પાટીદાર વર્ગમાં ભારે નારાજગીની લાગણી જોવા મળી રહી છે. આ અગાઉ તા.૧૮ જાન્યુઆરીની રાત્રે રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિશનલ સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું. ત્યાર બાદ તેની વિરમગામ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળતા જ હાર્દિક જેલ બહાર આવ્યો હતો. પરંતુ જેલ બહાર આવતા માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી.

માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ ૨૦૧૭માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ ૨૦૧૫માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ. ઉનડકટે નામંજૂર કરી હતી. જેને પગલે હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે, હવે ફરી એકવાર હાર્દિક પટેલની અમદાવાદ પોલીસેટંકારા(મોરબી) કોર્ટમાંથી ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે.

(8:41 pm IST)