Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

યુવાનોને યોગ્યતા મુજબ રોજગારી આપવા સરકાર કટીબદ્ધઃ ૩૦ મેળામાં ૪૫૦૦ કંપનીઓ દ્વારા ૭૦૦૦૦ને નોકરીઃ ભંડેરી

હર હાથ કો કામ, કામ કા સહી દામઃ પોરબંદરમાં રોજગાર મેળા પ્રસંગે ઉદ્બોધન

પોરબંદરમાં સરકારના શિક્ષણ વિભાગ આયોજીત મેગા પ્લેસમેન્ટ ફેરનું ઉદ્ઘાટન મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના હસ્તે થયેલ. તે પ્રસંગની તસ્વીરમાં સાથે ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, કલેકટર ડી.એન. મોદી, સરકારી પોલીટેકનિકના આચાર્ય એમ. બી. કાલરિયા વિગેરે ઉપસ્થિત છે.(૨-૨૪)

રાજકોટ, તા. ૨૦ :. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે પોરબંદરની સરકારી પોલીટેકનિક ખાતે યોજાયેલ મેગા પ્લેસમેન્ટ ફેર ખાતે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ યુવાનોને યોગ્યતા મુજબ રોજગારી અપાવવા રાજ્ય સરકારની કટીબદ્ધતા વ્યકત કરી હતી. શ્રી ભંડેરીએ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે જણાવેલ કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સતત બીજા વર્ષે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરાયેલ છે. આ વર્ષે તા. ૬ થી ૨૦ ફેબ્રુઆરી વચ્ચે રાજ્યમાં ૩૦ સ્થાનો પર આવુ આયોજન છે. જેમાં ૫૦૦ કોલેજોના ૯૦ હજાર વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે અરજી કરી છે. ૪૫૦૦ કંપનીઓ દ્વારા ૭૦૦૦૦ યુવાનોને નોકરી આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. પોરબંદર જિલ્લામા આજે ૮ કોલેજના ૧૪૧૧ ઉમેદવારોની અરજીઓ પૈકી ૧૧૧૨ જગ્યાઓ માટે નોકરી આપવાની કાર્યવાહી ચાલી રહી છે. જિલ્લા કક્ષાએ ૧૩૮ કંપનીઓએ ભાગ લીધો છે. યુવાનોને રૂચી, કૌશલ્ય અને યોગ્યતા મુજબ નોકરી અપાવવા સરકારનો પ્રયત્ન છે. સરકાર યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સજાગ હોવાથી રોજગારી માટે આ પ્રકારના આયોજન થઈ રહ્યા છે.

(3:59 pm IST)