Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ગોંડલ પંથકની અપંગ બાળા ઉપરના બળાત્કાર કેસમાં પકડાયેલ ભરવાડ શખ્સને આજીવન કેદ

ધી પ્રોટેકશન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ હેઠળ કોર્ટે આપેલ ચૂકાદો

ગોંડલ તા. ર૦ :.. ગોંડલ તાલુકાનાં ગામમાં અપંગ બાળા સાથે બળાત્કાર કરનાર તે જ ગામના ખેંગાર બીજલ ભરવાડને ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ ર૦૧ર ની કલમ-૬ મુજબના ગંભીર ગુન્હામાં આજીવન કેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવી છે.

આ કેસની ટૂંકી હકિકત એવી છે કે, રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના ગામમાં રહેતી ભોગ બનનાર અપંગ બાળા તથા તેની માતા તા. ર૪-૧૦-૧૩ ના રોજ વાડીએથી ખેતીકામ કરી બપોરના સમયે તેના ઘરે આવતા હતા ત્યારે આરોપી પોતાનું મોટર સાયકલ લઇ રસ્તામાંથી પસાર થતાં ભોગ બનનાર અપંગ બાળાને મોટર સાયકલમાં ઘરે મુકી જવાનું કહી આરોપી ખેંગાર બીજલે ભોગ બનનાર બાળાને મોટર સાયકલ પાછળ બેસાડેલ અને ત્યારબાદ આરોપી ખેંગાર બીજલ પોતાના ઘરે મોવીયા મુકામે લઇ ગયેલ અને પોતાના ઘરનાં રૂમમાં પુરી ભોગ બનનાર અપંગ બાળા સાથે બળાત્કાર કરી તેમજ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરેલ અને ભોગ બનનારને દશ રૂપિયા આપેલ તેમજ એક પવાલીમાં દૂધ ભરી આપેલ અને ભોગ બનનાર અપંગ બાળાને કહેલ કે આ વાત કોઇને કહેતી નહીં તેવી લાલચ આપેલ. તેમ કહી ભોગ બનનાર અપંગ બાળાને તેના ઘરે મોકલી દીધેલ જેથી ભોગ બનનારે આ બનાવની વાત તેના માતા ઉર્મીલાબેનને કરેલ જેથી ઉર્મીલાબેને ઉપરોકત ગુનાહીત બનાવની આરોપી ખેંગાર બીજલ ભરવાડ સામે વિરૂધ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી.

સદર ગંભીર બનાવનો ગુન્હો દાખલ થયા બાદ આરોપી ખેંગાર બીજલ ભરવાડની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને ત્યારબાદ આ કામના આરોપી સામે ભારતીય દંડ સહિતાની કલમ ૩૭૬, ૩૭૭ તથા ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ ર૦૧ર ની કલમ -૬ મુજબના ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ. સબબ ઉપરોકત કેસ સેશન્સ અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઇ કેશવજીભાઇ ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફે દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકારશ્રી તરફે કુલ ૧૪ સાહેદો તપાસવામાં આવેલ અને સેશન્સ અદાલતે મુખ્યત્વે ભોગ બનનાર અપંગ બાળાની જુબાની, તથા તેની માતાની જુબાની તથા ડોકટરશ્રીની જુબાની તેમજ અન્ય સાહેદોની જુબાનીને પુરાવામાં ગાહય રાખી તેમજ સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઇ કે. ડોબરીયાની દલીલોને ધ્યાને લઇ આરોપી ખેંગાર બીજલ ભરવાડને ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ ર૦૧ર ની કલમ-૬ મુજબના ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી સેશન્સ જજ શ્રી જે. એન. વ્યાસે આજીવન કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલા હતાં. (પ-૧૮)

(12:11 pm IST)