Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

વાંકાનેરમાં નિકળી જન આક્રોશ રેલી કાશ્મીરના શહીદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ

વાંકાનેર તા.૨૦: વાંકાનેરમાં શહીદ વીરોને શ્રધ્ધાંજલી અર્પવા માટે નગરજનોની વિશાળ રેલી, બાદ કેન્ડલ સાથે હજ્જારો લોકોએ શ્રધ્ધાંજલી આપી હતી.

પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતના વીર જવાનોને શ્રધ્ધાંજલી સાથે આતંકવાદના જન્મદાતા એવા પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનોનો ખાત્મો કરવા સમગ્ર ભારતમાં જન આક્રોશ સાથે થઇ રહેલા કાર્યક્રમો, યોજાઇ રહ્યા છે.

વાંકાનેરમાં પણ જીનપરા ચોકથી જીતુભાઇ સોમાણીના નેતૃત્વ હેઠળ વિશાળ મેદની સાથેની જનઆક્રોશ રેલી પ્રસ્થાન થયેલ જેમાં સાધુ-સંતો ઉપરાંત વેપારી સંગઠનો જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ તમામ ધર્મના લોકો, ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે તમામ ક્ષેત્રના લોકો સાથેની આ રેલીમાં તિરંગા ધ્વજ સાથે ''આતંકવાદને ખતમ કરો'', ''પાકિસ્તાન મુર્દાબાદ''ના નારાઓ સાથેની વિશાળ રેલી શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી.

ગ્રીનચોક, ચાવડી ચોક અને માર્કેટ ચોકમાં પાકિસ્તાન અને તેના વડાપ્રધાન ઇમરાનખાન તેમજ આતંકવાદી સંગઠનનો વડો મસુદ અઝહરના પુતળાઓના દહન પહેલા નગરજનોએ આ પુતળાઓને લાકડીઓ વડે ઝુડી નાખતા દ્રશ્યો સાથેનો આક્રોશ જોવા મળેલ બાદ પુતળા દહન કરવામાં આવેલ.

રેલીમાં પુરૂષો સાથે મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી માર્કેટચોકમાં પહોંચી હતી જયા કેન્ડલ સાથે શહીદવીરોને શ્રધ્ધાંજલી અપાઇ હતી. બાદ જીતુભાઇ સોમાણી ઉપરાંત મંચસ્થ અગ્રણીઓ અને સાધુ -સંતોએ પાકિસ્તાન અને આતંકવાદીઓનો ખાત્મો કરવાની લાગણી અને માંગણી કરી હતી સાથે શહીદ વીરોના પરિવારને મદદરૂપ થવા ધનરાશી નોંધાવી હતી નગરપાલિકા અને ગર્લ્સ હાઇસ્કૂલના સ્ટાફગણે પણ એક દિવસનો પગાર આપવાની જાહેરાત કરી હતી.(૧.૨)

 

(9:42 am IST)