Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ખંભાળીયામાં પાઇલોટ પ્રોજેકટ તરીકે મધ્યાહન ભોજન રસોડુ બનાવવા માર્ગદર્શન

દ્વારકામાં અન્ન આયોગના ડીરેકટર દિનેશ કારીયાની અધ્યક્ષતામાં મળી ગયેલ સમીક્ષા બેઠક

રાજકોટ : રાજય અન્ન આયોગના સભ્ય દિનેશભાઇ કારીયાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ ના અમલીકરણના અનુસંધાને જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરીની અદ્યતન પરિસ્થિતી અને મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો તથા આંગણવાડી કેન્દ્રોની કામગીરીની ચર્ચા કરવા એક બેઠક મળી હતી. જેમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકા જિલ્લામાં કુલ ૨૫૭ સસ્તા અનાજની દુકાનો આવેલી છે. તેમાંથી ૩૦ દુકાનના લાયસન્સ ૨૦૧૩ માં સસ્પેન્ડ કરાયા. ત્યારે આ દુકાનોના ગ્રાહકોને કોઇ તકલીફ ન પડે તે માટે અન્ય દુકાનેથી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉપરાંત અન્ય તાલુકાઓમાં ૩૪ દુકાનો બંધ છે તેમાં સ્વૈચ્છિક રાજુનામા સ્વીકારી નવા લાઇસન્સની પ્રક્રિયા આગળ ધપાવવા સુચનો કરાયા હતા. આધારકાર્ડ સાથે રાશનકાર્ડ લીંકઅપની ૯૭ ટકા કામગીરી બદલ અભિનંદના પાઠવાયા હતા. મધ્યાહન ભોજન બાબતે થયેલ ચર્ચામાં ચાર તાલુકા વચ્ચ્ે એક તાલુકામાં પાયલોટ પ્રોજેકટ તરીકે આધુનિક રસોડુ બનાવી તમામ સ્થળે ભોજન પહોંચાડવા સુચન દિનેશભાઇ કારીયા દ્વારા કરાયુ હતુ. આંગણવાડીના બહેનોને પડતી સમસ્યાઓ પણ ચર્ચા ઉપર લેવાયેલ. આંગણવાડીઓને ડેરીઓ સાથે જોડી બાળકોને ફલેવર્ડ મીલ્ક અને સેરેલેક ટાઇપનો ટેસ્ટ મળે તેવા આધુનિક પેકીંગનું આગામી દિવસોમાં વિતરણ કરવા તૈયારી દર્શાવવામાં આવી હતી. આ બેઠકમાં શ્રી રાવલ, શ્રી વ્યાસ, નિવાસી અધિક કલેકટર, નાયબ કલેકટર શ્રી માંડોત, દ્વારકા, ભાણવડ, કલ્યાણપુર, ખંભાળીયાના ડે. કલેકટરો અને મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.

(4:16 pm IST)