Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ચોટીલાના ઝિંઝુડામાં આજે. હકાબાપાનો ઉત્સવ ધુમાડા બંધ ગામ જમણવારઃ ગામો ગામથી દર્શનાર્થીઓ ઉમટ્યા : રાત્રે સંતવાણી

રાજકોટ તા.૨૦: ''એ પધારો , પધારો, હકાબાપાનો પ્રસાદ લેવા પધારો'' હ્રદયના ઉમકળાથી આમંત્રણ આપતા એવા શબ્દો તમરણેતરના મેળામાં સાંભળવા મળે.  હકાબાપાના પ્રસાદનો ભારે મહિમા છે. એ પ્રસાદ જમે તેની મનોકામના બાપા પુરી કરે.

તરણેતરના મેળાની જેમ ચોટીલા પાસે આવેલ ઝિંઝુડા  ગામમાં પોષ વદ -૧૧ના દિવસે હકાબાપાનો પ્રસાદ લેવા સહુ કોઇને જાહેર આમંત્રણ હોય છે. આ વર્ષે સાંજે સોમવારે  તા.૨૦ જાન્યુઆરીના પંચાળના પીર પુજ્યશ્રી હકાબાપાનો પ્રસાદ લેવા જિંઝુડા પધારવા સહુને  આમંત્રણ છે.

ભગવાન વિષ્ણુનો અવતાર મનાતા તેમ જ પંચાળના પીર 'હકડા પીર' તરીકે લોકોના હ્રદયમાં બિરાજતા  હકાબાપા પોતે તરણેતરના મેળામાં રાવટી  લઇને જતા. રાજકોટવાળા રાણીમા-રૂડીમાની રાવટી પાસે હકાબાપાની રાવટી તરણેતરના મેળામાં દર વર્ષે હોય છે. હજારો લોકો હકાબાપાની રાવટીમાં ગરમા-ગરમ પ્રસાદ જમે છે.

તરણેતરના મેળામાં રાણીમાં-રૂડીમાની રાવટીમાં સેવા આપવા રાજકોટથી ખોડીદાસ પીપળીયા પાત્રીસ વર્ષથી આવે છે. બાજુમા જ હકાબાપાની રાવટી અનેક લોકો હોંશે હોંશે હકાબાપાની રાવટીમાં જાય  અને  પ્રસાદ જમે. ખોડીદાસભાઇ આ બધુે દર વર્ષે જુએ, બાપાની રાવટીમાં જઇ હકાબાપાની  વાતો સાંભળે. ઝિંઝુડા  જવાનુ મન થઇ જાય પરંતુ જવાતુ ન હતુ.

બે વર્ષ પહેલા એક દિવસ ખોડીદાસભાઇએ છાપામાં વાચ્યુ કે ઝિઝુડામાં હકાબાપાની તિથિ ઉજવાય છે. ઝિંઝુડા ગયા અને હકાબાપાના મંદિરના દર્શન કર્યા. બાપાની સમાધિ સ્થાનના દર્શન કર્યા અને બાપાનો પ્રસાદ જમ્યા, ખુબ આનંદ થયો, ગયા વર્ષે પણ તેઓ ઝિંઝુડા આવેલા , મનમાં ભાવ થયો અને તરત જાહેર કર્યુ કે આવતા વર્ષે હકાબાપાનો પ્રસાદ મારા તરફથી .

રાજકોટના જગદિશભાઇ  કારીયા હકાબાપાના  ભકત છે.

 

રાજકોટના જગદિશભાઇ કારિયા હકાબાપાના ભકત છે. રાજકોટમાં ગોંડલ રોડ પર વિજય પ્લોટમાં 'ગીતા ટેમ્પો'ના નામે ઓટોમોબાઇલ સ્પેર પાર્ટસની દુકાન ધરાવે છે. દર વર્ષે મહાપ્રસાદના દાતા હોય છે. આ વર્ષે ખોડીદાસભાઇ પિપળીયા બાપાના મહાપ્રસાદના દાતા છે અને જગદિશભાઇ ઝિંઝુડામાં આવેલ હકાબાપાના મંદિરમાં તેમજ સમાધિ સ્થાન છે ત્યાં હકાબાપાએ પોતે પ્રતિષ્ઠા કરેલ છે. તે રામ મંદિરના મકાનનું નવું રંગરોગાન જગદિશભાઇ કારિયા તરફથી છે. એમનો દિકરો જય કારિયા પણ હકાબાપાનો પરમ ભકત છે.

વિક્રમ સવંત ૧૮૮૪માં હકાબાપાનો જન્મ થયેલ, પિતા જસરાજભાઇ મેતા (મહેતા) વૈષ્ણવ વાણીયા હતા.।નાનપણમાં જ હકાબાપાના માતા-પિતાનું અવસાન થયેલ એટલે બાળક હકમલ ચોટીલા પાસે આવેલ મોલડી ગામમાં પોતાના બેનના ઘેર મોટા થયેલ અઢાર વર્ષની ઉંમરે ભગવાન શંકરના તેમને દર્શન થયેલા. ત્યાર પછી તેઓ મોલડી પાસે આવેલું ઝિંઝુડામાં રહેવા ગયા અને ત્યાં નાની દુકાન કરી જે 'હકાબાપાની હાટડી'ઁતરીકે સુપ્રસિધ્ધ છે.

હકાબાપાએ ઝિંઝુડા ગામને પોતાની કર્મભુમિ બનાવી અને જીવ્યા ત્યાં સુધી ઝિંઝુડામાં જ રહ્યા. વિક્રમ સંવત૧૯૮૨ની પોષ વદ-૧૧ના દિવસે પોતાના ભકત નગીનદાસ શાહના ઘેર ચોટીલામાં બાપાએ વિદાય લીધી. ૯૮ (અઠાણું) વર્ષની ઉંમરે હકાબાપા પોતાના ધામમાં ગયા. ચોટીલાથી પાલખી લઇ ભારે ધામધુમથી હકાબાપાને ઝિંઝુડા લઇ ગયેલા અને ત્યાં  સમાધિ આપવામાં આવેલ.

સોમવારે ઝિંઝુડા ગામ આખુ બાપાનો પ્રસાદ જમશે, આસપાસના ગામો અને ચોટીલામાંથી પણ લોકો બાપાના દર્શને આવશે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, ઉત્તર ગુજરાત, સુરત મુંબઇ વગેરે અનેક સ્થળેથી લોકો ઝિંઝુડા આવશે. ગામના લોકો જ બાપાનો પ્રસાદ બનાવે છે અને બધાને જમાડે છે.

ચોટીલાથી નગીનદાસ શાહ તેમના દીકરા બિપીનભાઇ, કિશોરભાઇ પીઠવા, -શાંતભાઈ શાહ, રણજીતભાઇ દરબાર, ચીરાગભાઇ કોટક, જનકભાઇ ખાચર વગેરે તેમજ ઝિંઝુડામાં ધર્મૈન્દ્રભાઇ દરબાર, શતુભાઇ ખાચર, ઉદયરાજભાઇ ખાચર; વિનુભાઇ ખાચર, જયંતિભાઇ રાજવીર, મુન્ના મહારાજ અને સાથીઓ સેવા આપી  રહ્યા છે.

હકાબાપાના શિષ્ય બિજલબાપા અને બિજલબાપાના શિષ્ય આત્માનંદબાપુએ ગુજરાતમાં હકાબાપાનો મહિમ, ગાયો છે. જસદણ તાલુકાના ભાડલા ગામમાં તેમણે હકાબાપાના નામે આશ્રમ બનાવેલ છે. આત્માનંદબાપુના અનેક શિષ્યો આ સોમવારે ઝિંઝુડા આવશે તેમ આકાશવાણી મુંબઇના પ્રોગ્રામ ઓફિસર ભાનુકુમાર મહેતા મો. ૯૩૨૦૩ ૧૬૭૮૯ની યાદીમાં જણાવેલ છે.

રાત્રે સંતવાણીનો કાર્યક્રમ છે. મોલડીના અમરશીભાઇ મકવાણા અને સાથી કલાકારો ભજનની રમઝટ બોલાવશે.

(1:03 pm IST)