Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ભુજમાં સંકલન બેઠકમાં પૂર્ણ તૈયારી સાથે આપવા જિલ્લા સમાહર્તાનો નિર્દેશ

ભુજમાં ૨૦૯ CCTV કેમેરા કાર્યરત થતા દમેમો અપાશેઃ એસ.પી તોલંબીયાએ બેઠકમાં વિગતો આપી : લાકડીયા પાસે ફેકટરી દુર્ગધ બંધ કરાવવા સોઢાની રજુઆત

ભુજ,તા.૨૦:લાકડીયા પાસેની સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ ફેકટરી ચાલુ હોય ત્યારે એકદમ તીવ્ર દુર્ગંધ આવે છે, આસપાસ વસતા ગામોમાં ફેલાતી દુર્ગંધથી પડતી તકલીફના કાયમી ઉકેલ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા સહિત માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ કાર્યવાહી થવા સંકલન બેઠકમાં ફરી રજૂઆત કરી હતી.

કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષપદે મળેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ વધુમાં ભચાઉ હાઇવે પર નવાગામ-ચાંદરાણી વાળો પુલ રેલીંગના અભાવે ચાલુ કરાતો ન હોવા સાથે રાપર સી.એચ.સી. બહાર આડેધડ ટ્રાફિકની સમસ્યા, રાપર-ચિત્રોડ ઉપર દરરોજ ઓવરલોડ ટ્રકો સામે પગલાં ભરવા પણ તંત્રને જણાવ્યું હતું.

માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ભવાનીપુર-આમરડી પાસે નર્મદા કેનાલના ઓવરબ્રીજ ખાતે રેલીંગના અભાવે અકસ્માતો થતાં હોવાની પણ તંત્રને રજૂઆત કરી હતી.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ એટીવીટીના સૂચવાયેલા કામોમાં તાલુકા પંચાયત દ્વારા ફેરફાર કરાતાં હોવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત કોઠારાવાળા રોડમાં ગત ચોમાસે પાણી ભરાયાં હતા તેમ જણાવી ગામનો રસ્તો બંધ ન થાય તે માટે જરૂરી હોય તેવાં રસ્તાઓનાં કામો થવા પર ભાર મૂકયો હતો અને સ્થાનિક ઉદ્યોગો દ્વારા કરાતાં ઓવરલોડીંગ અને આર.ટી.ઓ.દ્વારા ટ્રેકટર ટ્રોલી વગેરેની મંજૂરીને લગતા પૂરક પ્રશ્નોની રજૂઆત કરી હતી.

જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાદ્યેલાએ નખત્રાણાથી ભુજ હાઇવેના કામમાં દેશલપરથી ભુજ સુધીનું કામ કયાં કારણોસર બંધ છે, તેની વિગતો જાણવા માગી હતી અને જીએસઆરડીના અધિકારી મકવાણા દ્વારા તે કામ એક માસમાં પૂર્ણ થશે, તેવી વિગતો આપવામાં આવી હતી.

જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ સંકલન બેઠકમાં અધિકારીઓને પૂરતી તૈયારી અને માહિતી સાથે આવવાનો નિર્દેશ આપી ઓવરલોડ પરિવહન ઉપર અંકુશ રાખવા જરૂર જણાયે અચાનક ચેકીંગ કામગીરી હાથ ધરવા, હવા-પાણીના પ્રદુષણ ઉપર કાર્યવાહી કરવા અને અધુરાં કામોમાં ઝડપ લાવવા સંબંધિત વિભાગોને નિર્દેશ આપ્યો હતો.

બીજા તબકકાની અધિકારીઓની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી દ્વારા આગામી ૩૦ જાન્યુ અને ૧ અને ર ફેબ્રુઆરી દરમિયાન થનાર પોષણ અભિયાનના કાર્યક્રમ સંબંધે પ્રકાશ પાડી સંબંધિત વિભાગોને કામગીરીની સૂચના આપી હતી.

પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયાએ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ભુજમાં ૨૦૯ કેમેરા ચાલુ થઇ ગયા હોવાનું જણાવી અઠવાડિયામાં ઇ-મેમો અપાશે તેમ જણાવ્યું હતું. પૂર્વ કચ્છના એસ.પી. પરિક્ષિત રાઠોડે છ મહિનાથી ઇ-મેમોની કામગીરી ચાલુ હોવાનું જણાવી, પૂર્વ કચ્છમાં એસ.પી.ના બંગલા માટેની જમીન પ્રશ્ને ત્વરિત કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું

બેઠકના પ્રારંભે અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ સીએમ ઓનલાઇન કાર્યક્રમ, સરકારી વસૂલાત, પેન્શન કેસો, તકેદારી આયોગના પ્રશ્નો બાબતે અધિકારીઓને સમયસર ફોલોઅપ આપવા અનુરોધ કર્યો હતો.

ઇન્ટર ડીપાર્ટમેન્ટલ પ્રશ્નોની રજૂઆત કરતાં પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર અમૃતભાઈ ગુરવાએ  નગરપાલિકાઓના સ્ટ્રીટલાઇટના અને પાણી પુરવઠાનાં વીજબીલના રૂ. ૧૨૧ કરોડ લેતાં  બાકી હોવાનું જણાવી વેળાસર લેણાંની ભરપાઇ થવા જણાવ્યું હતું.

આ બેઠકમાં સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, ભુજ પ્રાંત અને આસી. કલેકટર મનીષ ગુરવાણી, નખત્રાણા પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડ, ભચાઉ પ્રાંત પી.એ.જાડેજા, અબડાસા પ્રાંત ડી.એ.ઝાલા, મુંદરા પ્રાંત કે.જી.ચૌધરી, સીડીએચઓ ડો. કન્નર, સમાજ કલ્યાણ અધિકારી જે.એસ.બારોટ,  સિંચાઇ વિભાગના શ્રી સોનકેસરીયા, વન વિભાગના સાદીક મુજાવર અને શ્રી વિહોલ, માર્ગ-મકાન વિભાગના જે.એમ.સોલંકી, ડીપીઇઓ સંજય પરમાર, આંકડા અધિકારી રવિરાજસિંહ ઝાલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(12:04 pm IST)