Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

જેતપુરમાં પતંગ કાઢવા છાપરે ચડેલા આઠ વર્ષના નરેન્દ્રનું પડી જતાં મોત

મુળ વડીયાનો દેવીપૂજક પરિવાર બે મહિનાથી જેતપુર મજૂરીએ આવ્યો'તોઃ બાળકે રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૦: જેતપુરમાં સિંગદાણાના કારખાના પાસે છાપરા ઉપર ફસાયેલી પતંગ કાઢવા ચડેલો વડીયાનો આઠ વર્ષનો ટેણીયો છાપરૂ તૂટી જતાં ઉંધે માથે નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ વડીયા રહેતાં નવીનભાઇ જખવાડીયા (દેવીપૂજક) છેલ્લા બે મહિનાથી જેતપુરમાં ચાંપરાજપુર રોડ પર આવેલા ભોલેનાથ ટ્રેડિંગ નામના સિંગદાણાના કારખાના પાસે રહેતાં હતાં અને મજૂરી કરતાં હતાં. ગઇકાલે રવિવારે તેનો પુત્ર નરેન્દ્ર (ઉ.વ.૮) આશરે પચ્ચીસેક ફુટ ઉંચે આવેલા છાપરા પર પતંગ ફસાયેલી હોઇ તે કાઢવા માટે ઉપર ચડી જતાં જુનુ છાપરૂ હોઇ અચાનક તૂટી જતાં નરેન્દ્ર નીચે પટકાતાં માથામાં ગંભીર ઇજા થતાં જેતપુર, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત મોડી રાતે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જરૂરી કાર્યવાહી કરી જેતપુર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નરેન્દ્ર ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો. બનાવથી દેવીપૂજક પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મોવૈયામાં તાપણામાં ૧૪ વર્ષની રેવતી દાઝી

ગોંડલના મોવૈયા ગામે હરેશભાઇ પટેલની વાડીમાં રહેતાં મજૂર તેરસીંગ રાઠોડની દિકરી રેવતી (ઉ.૧૪) તાપણુ તાપતી વખતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

જેતપુરની રૂપા ઠાકુરને બોટાદમાં ઢીકા-પાટુનો માર

જેતપુરમાં ગ઼ુજરાતી વાડી પાસે રહેતી રૂપાબેન સંજય ઠાકુર (ઉ.૨૫)ને સાંજે બોટાદમાં બસ સ્ટેશન પાસે અનિતા,ચંદી, ઇન્દુ અને રેખાએ જુના ઝઘડાનો ખાર રાખી ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી.

તરઘડીમાં બેભાન થઇ જતાં યુવાનનું મોત

પડધરીના તરઘડી ગામે દૂર્ગા ફોર્જિંગ પ્રા.લિ. નામના કારખાના પાસે રહેતો રામસાગઠ ઠીકોરભાઇ યાદવ (ઉ.૩૨) સાંજે આઠેક વાગ્યે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ પડધરી જાણ કરી હતી.

(12:01 pm IST)