Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહના ભાડામાં વિશેષ ડીસ્કાઉન્ટ આપવાનો નિર્ણય

આધ્યાત્મિક ટુરીઝમ વિકસે અને સ્થાનિકોને ધંધા રોજગાર મળે તેવા આશયથી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૧૯ : શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જયોતિર્લિંગ એવા શ્રી સોમનાથ તીર્થધામમાં શ્રદ્ઘાળુઓ આવે અને રાત્રિ  રોકાણ કરે તે માટે આધ્યાત્મિક ટુરીઝમના વિકાસ માટે ૪૫ દિવસ માટે રૂમ ભાડામાં ૧૫ થી રપ%   ડીસ્કાઉન્ટ આપવાનું પેકેજની જાહેરાત કરવામાં આવી છે. હાલની કોવિડ-૧૯ ની મહામારીની પરિસ્થિતિમાં  પણ શ્રી સોમનાથ ટ્રસ્ટ હારા સ્થાનિકને કેમ રોજગારી મળે તેની ચિતા કરી છે. ટ્રસ્ટના માન.ટ્રસ્ટી સેક્રેટરીશ્રી  તથા ટ્રસ્ટી મંડળ, જનરલ મેનેજર તથા તમામ અધિકારી / કર્મચારીઓ હારા શ્રદ્ઘાળુઓને કોવિડ-૧૯ ની  ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રસ્ટના અતિથિગૃહોને પણ પ્રોપર  સેનીટાઈઝ કરવામાં આવે છે. તેમજ ડીસેમ્બર / જાન્યુઆરીમાં દર વર્ષે દેશ-પરદેશમાંથી શ્રદ્ઘાળુઓ  સોમનાથજીના દશનાર્થે આવતા હોય છે. હાલની પરિસ્થિતિમાં શ્રદ્ઘાળુઓની સંખ્યા ઘટી છે. તેમજ ઘંઘા  રોજગાર પર પણ મોટી અસર પડી છે. ટ્રસ્ટ દ્વારા કોવિડ-૧૯ ના તમામ નિયમોના પાલન સાથે શ્રદ્ઘાળુઓ  દર્શન માટે સોમનાથ પધારે તે માટે ટ્રસ્ટે ઓનલાઈન દર્શન પાસ બુકિંગ સીસ્ટમ, વિડીયો કોલીંગ / ઝુમ એપના  માધ્યમથી પણ શ્રદ્ઘાળુ દ્યરે બેઠા પૂજા કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ટ્રસ્ટની આઈ.ટી.,  પી.આર.ઓ. ટીમ દ્વારા સોશ્યલ મીડીયાના માધ્યમથી પણ લોકોને દર્શન કરાવવામાં આવે છે.   

દિવાળીની રજાઓ દરમ્યાન પણ લગભગ ૩,૫૦,૦૦૦ લોકોએ શ્રી  સોમનાથજીના પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ હારા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી  ભાવિકોને શ્રી સોમનાથજી સાથે જોડી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.   

તાજેતરમાં આધ્યાત્મિક દુરીઝમને વેગ મળે તેમજ સ્થાનિક રોજગારી મળે તેવા શુભ આશયથી  અતિથિગૃહના રૂમભાડામાં સ્પેશ્યલ ડીસ્કાઉન્ટનું ૪પ દિવસનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.  

સોમનાથ યાત્રામાં આવનાર શ્રદ્ઘાળુઓ માટે શ્રી સોમનાથ મંદિર ઉપરાંત શ્રી ગોલોકધામ, શ્રીરામ  મંદિર, શ્રી ત્રિવેણી મહાસંગમ દ્યાટ, શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા તીથ - જયાં ભગવાન શ્રીકૃષ્ણએ  દેહોત્સર્ગ કર્યો હતો. તેમજ અહીં મહાપ્રભુજીની બેઠકજીના પણ દર્શન થાય છે. આ સિવાય ભીડભંજન  મહાદેવ, તેમજ પ્રાંચી તીર્થ જેવા અતિ પ્રાચીન તીર્થ સ્થળો પણ અહીં જ છે. સ્થાનિક સાઈટ સીન માટે ટ્રસ્ટ  દ્વારા સાઈટસીન બસની પણ સુવિધા છે.   

વિશેષમાં શ્રી સોમનાથજીના ભવ્ય ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો જે મહાનાયક  શ્રી અમિતાભજીના અવાજમાં છે. તે પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. લાઈટ એન્ડ સાઉન્ડ શો રાત્રિ દરમ્યાન  મંદિર પરીસરમાં થાય છે. દિવસ દરમ્યાન આવનાર યાત્રિકોને પણ શ્રી સોમનાથની ભવ્ય ઈતિહાસની  જાણકારી મળે તે માટે ટ્રસ્ટ દ્વારા ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી દિવસ દરમ્યાન મંદિર પરીસરમાં આવેલ સંકીર્તન  ભવનમાં જ ૦૩ થી ૦૪ શો કરવામાં આવે છે.   

શ્રદ્ઘાળુઓ સોમનાથજીના દર્શનની સાથે કુદરતી વાતાવરણ, ત્રિવેણી નદી, સમુદ્ર, ચોપાટી વિગેરેનો  પણ લાભ લઈ શકે છે. આમ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક ટુરીઝમ વિકસે તે માટે યાત્રિકો માટે સુંદર  રહેઠાણ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર જેવી અનેક સુવિધાઓ કરવામાં  આવી છે.

(12:42 pm IST)