Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

વિરપુરમાં મામાજી સસરાની ૧૦ વર્ષની બાળકીને સાથે લઇ જઇ મોરબીના કાગદડીના જમાઇએ દુષ્કર્મ આચર્યુ

નવી કારને કુંવારી કન્યાના હાથે શગુનનું તિલક કરાવવાના બ્હાને ઉઠાવી ગયો : દેવચડી રહેતી પત્નિ રિસામણે છેઃ ભૂપત ચાવડાને સોંપી દેવા મહિલાઓ પોલીસ સ્ટશને ધસી ગઇ

વીરપુર, તા.૧૯: ગામે રહેતી એક બાળકીને મોરબીના કાગદડી ગામે રહેતો કૌટુંબીક બનેવીએ નવી કાર પત્નીને બતાવવી હોય અને બાળકીના હાથે સગુનનું તિલક કરવાના બહાને લઈ જઈ દેવચડી ગામની સીમ વિસ્તારમાં પીંખી નાખ્યાંની પોકસો એકટ હેઠળ નોંધાયેલ ફરીયાદમાં પોલીસે આરોપીને ત્વરિત ઝડપી લીધો હતો.

મોરબીના કાગદડી ગામે રહેતો ભુપત ચાવડાનું સાસરીયું ગોંડલના દેવચડી ગામે આવેલ છે. જેમાં તેની પત્ની રીસામણે હોય ભુપત ગતરોજ વીરપુર ગામે રહેતા પોતાના મામાજી સસરાને ત્યાં આવેલ. અને મામાજીને જણાવેલ કે, પોતે નવી કાર લીધી હોય તે પોતાની પત્નીને દેવચડી ગામે બતાવવા જવું છે. અને નવી કારને કુંવારી કન્યાના હાથે શગુનનું તિલક કરાવાનું હોવાથી મામાજીને તેની દીકરીને સાથે મોકલવાનું જણાવ્યું હતું. મામાજીને એમ કે જમાઈને ના પાડશું તો ખોટું લાગશે તેમ વિચારી પોતાની દસ વર્ષની પુત્રીને તેની સાથે મોકલી હતી.

સાંજનો સમયે કૌટુંબીક જમાઈએ પોતાના સાળા મારફત બાળકીને વીરપુર તેણીના ઘરે મોકલી. બાળકી ઘરે આવતા જ બેહોશ જેવી થઈ જતા તેણીને તરત જ વીરપુર સરકારી હોસ્પીટલે લઈ જવામાં આવી ત્યાં ડોકટરે બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું જણાવતા પરીવારજનોની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી બાજુ દુષ્કર્મને કારણે બાળકીની હાલત બગડતી જ જતા તેણીને સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી. આ બાજુ જમાઈને જમ બન્યો હોવાનું જણાતા તેને મામાજીએ ફોન કરતા જમાઈ લાજવાને બદલે ગાજવા લાગ્યો અને બંદૂકથી ગોળીએ દઈને મારી નાંખવાની ધમકી આપવા લાગ્યો.

આ ગંભીર બનાવની જાણ વીરપુર પોલીસને થતાં પોલીસે પોકસો એકટ હેઠળ દુષ્કર્મની ફરીયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ આરોપી ભુપતનો ભોગ બનનારના પરીવારજનોને તેમજ બાળકીને પણ જાનથી મારી નાંખશે તેવી મોબાઈલ પર ધમકી આપતો હોય એએસપી સાગર બાગમારે આરોપીને તાત્કાલીક ઝડપી લેવા માટેની કામગીરી એલસીબીને સોંપતા એલસીબીએ આરોપી ભુપતને તેના ગામ કાગદડીથી ઝાડપીને વીરપુર પોલીસને હવાલે કર્યો હતો.

આરોપી ઝડપાઇ ગયાની જાણ બાળકીના વિસ્તારવાસીઓને થતાં સ્થાનિક મહિલાઓનું ટોળું ભુપત નરાધમ હાય હાયના નારા લગાવતું પોલીસ સ્ટેશને આવી ભુપતને અમને સોંપી દો, સજા અમે આપીશુંની માંગ કરી હતી. પોલીસે અમો ભુપતને સખતમાં સખત સજા અપાવશું તેવું જણાવેલ મહિલાઓના ટોળાઓને બાંહેધરી આપતાં ટોળું ત્યાંથી વિખેરાયું હતું.

(11:39 am IST)