Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

'મારૂ ગામ કોરોના મુકત ગામ' અભિયાન થકી મહામારીમાં ગામડા સલામત : વિજયભાઇ રૂપાણી

સુરેન્દ્રનગરના પાંદરીના સરપંચ ઇ-સંવાદ કાર્યક્રમ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં સેટકોમના માધ્યમથી રાજયના વિવિધ ગામોના સરપંચશ્રીઓ સાથે ઇ-સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાંદરી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ટીનાબેન પટેલ સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પાંદરી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ટીનાબેન પટેલ સાથેના ઇ-સંવાદ દરમિયાન પાંદરી ગામમાં થયેલ વિકાસના કામો, ૧૪માં નાણાપંચના વિવિધ કામો અને ગામમાં પીવાના પાણીની સુવિધાઓ તેમજ ગામમાં અત્યારની સ્થિતિએ કોરોનાના એકિટવ કેસો વિશે ચિતાર મેળવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં પાંદરી ગામમાં ઇ- સેવા સેતુ અંતર્ગત ચાલતી વિવિધ કામગીરી તેમજ કપાસ અને મગફળી જેવા પાકોના યોગ્ય ભાવ મળી રહે છે કે કેમ તે અંગેની જાણકારી મેળવી હતી.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ ચોટીલા તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીવણભાઈ મકવાણા પાસેથી ઇ- સંવાદ દરમિયાન ચોટીલા તાલુકાના કોરોનાના એકિટવ કેસો ઉપરાંત વિવિધ વિકાસના કામોની વિગતો મેળવી હતી.

સરપંચશ્રીઓના ઇ-સંવાદ બાદ મુખ્યમંત્રીશ્રીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ગામડાઓ સલામત રહ્યા છે, કારણકે ગ્રામ પંચાયતો દ્વારા મારુ ગામ કોરોના મુકત ગામ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન થકી ગામડાઓ સુરક્ષિત રહ્યા છે તેમજ રાજયના દરેક ગામડાઓને બે થી ત્રણ વાર તેને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે જેથી બીજા રાજયોની સ્થિતિએ ગુજરાતની સ્થિતિ ઘણી સારી રહી છે.

આ પ્રસંગે સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડ્ડા, મુખ્ય આરોગ્ય અધિકારી પી.કે.પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નસીમ મોદન, વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ અંકીતાબેન બરીયા, લીંબડી તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ હરપાલસિંહ રાણા, રૂપાવટી ગ્રામ પંચાયતના સરપંચ ભારતીબેન વાઘાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(11:37 am IST)