Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ઠંડી છવાતા દ્વારકાધીશ ભગવાનને ગરમ વસ્ત્રો પરિધાનઃ ચાંદીની સગડીમાં તાપણું

તસ્વીરમાં ગરમ વસ્ત્રોના પરિધાનમાં શ્રીજી ભગવાન તથા ચાંદીની સગડી નજરે પડે છે (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૯ : હાલમાં સમગ્ર ભારતમાં  શીત લહેર હોઇ તેમજ ધનારક સમય કે જેમાં શુભ કાર્યો થતા નથી અનેધાર્મિક કાર્યો, ભાગવત સપ્તાહ વગેરે કરવામાં આવે છે ત્યારે ભગવાનશ્રી દ્વારકાધીશનો પણ વારાદાર પુજારી દ્વારા મોસમને અનુરૂપ શૃંગાર, ભોગ, વસ્ત્રી પરિધાન આદિ અર્પણ કરવામાં આવે છે.

આ અંગે દ્વારકાધીશ મંદિરના જણાવ્યા મુજબ શિયાળાના સમયમાં ભગવાનને અભિષેક બાદ અભિષેક થયા પછી ભગવાનની સેજામાં સૌભાગ્ય સુંઠ જેમાં સુંઠ, ઘી, ગોળ, મરી, તજ, કેશર, કાળી મુસલી, ધોળી મુસલી, બદામ પીસ્તા કાજુ ઠાકરોજીને ધરાવવામાં આવે છે. ચાંદીના વાસણમાં કેશર યુકત દુધ અર્પણ કરી ઠંડી ઓછી પડે તેવો ભાવ વ્યકત કરવામાં આવે છે. ઉપરાંત ચાંદીની સગડીમાં ઠાકોરજીને તાપણું કરી સવાર સાંજ બન્નેસમયે શેક ઠંડી ન પડે તે હેતુથી કરવામાં આવે છે  શિયાળાના સમયમાં ભગવાન શ્રી દ્વારકાધીશને સોનાના દાગીના પરિધાન કરાવવામાં આવે છે. ભગવાનને ધરાવાતા ભોગમાં રાજભોગ સમયે અડદીયાનો ભોગ તેમજ રીંગણાનો ઓળો વગેરે ભોગ ધરાવવામાં આવે છે ઉપરાંત શ્રી દ્વારકાધીશને પણ ગરમ વસ્ત્રો જેવા કે બંડી, શાલ તેમજ ગરમ જાકીટ, કોટ એમ અલગ અલગ વસ્ત્રો પરિધાન કરવામાં આવે છે.ઉપરાંત ભગવાનને કેશરયુકત ગરમ દુધ પણ અર્પણ કરવામાં આવે છે. રાત્રીના સમયે પણ શૃંગાર બડા કરી ગરમ કોટ વુલન કપડાનો અને કાશ્મીરી શાલ, સીલ્કની રજાઇ પરિધાન કરવામાં આવે છે. આ પ્રકારનો ઉત્સવ દર્શન કમ ઠંડીના સમયમાં આયોજવામાં આવે છે. જગતમંદિરના વારાદાર પુજારી દ્વારા ઠાકોરજીને સવારે મંગલા આરતી તેમજ અભિષેક પુજન બાદ અને સાંજે સંધ્યા સમય બાદ ચાંદીની સગડી પ્રજવલિત કરી તાપણું કરી ઉષ્માર્પણનો ભાવ વ્યકત કરાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

(11:37 am IST)