Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

સગીરા સાથેના દુષ્કૃત્યના ગુનામાં મહુવાની કોર્ટ દ્વારા આરોપીને ૧૦ વર્ષની સજા

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ૧૯ :. ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં ગત વર્ષ ર૦૧૪ માં એક ૧૪ વર્ષિય સગીરાને દુષ્કર્મના ઇરાદે નસાડી જનાર આરોપી સામે પોકસો સહિતનો ગુનો નોંધાયો  હતો. આ અંગેનો કેસ મહુવાના એફ. ટી. સી. અને સ્પે. પોકસો જજ એમ. એસ. સિંધીની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબીત માની ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તળાજાના પસવી ગામે રહેતા આરોપી સુરેશ પાચાભાઇ સોરઠીયા રાવળ જોગી, નામનો શખ્સ એક સગીરા (ઉ.૧૪) ને લોભલાલચ અને ફોસલાવી ભોગ બનનારના ભાઇને દવાખાને લઇ ગયા છે. અને ત્યાં તેને બોલાવે છે તેવું ખોટુ બોલીને સગીરાને ઘરેથી ભગાડીને અપહરણ કરીને ઉના બાજુ લઇ ગયેલ અને ત્યાંથી સુરત લઇ ગયેલ અને ભોગ બનનારની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજારેલ આ બનાવ અંગે તળાજા પોલીસે ગુનો નોંધેલ આ અંગેનો કેસ મહુવાના એફ. ટી. સી. અને સ્પે. પોકસો જજ એમ. એસ. સિંધીની કોર્ટમાં ચાલી જતા આ કેસમાં મૌખીક પુરાવા-૧૧, તથા દસ્તાવેજી પુરાવા-ર૭, તથા સરકારી વકીલ અરવિંદભાઇ એસ. સોલંકીની અસરકારક દલિલો તથા આધાર પુરાવા સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ આરોપી  સુરેશ પાંચાભાઇ સોરઠીયા સામે ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) આઇ. એન., અને પોકસો અધિનીયમની કલમો હેઠળનો ગુનો સાબીત માની આરોપીને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૧૦ હજાર રોકડ દંડ ફટકારેલ છે.

આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા અદાલતે ફટકારી છે. ભોગ બનનારને વળતર ચૂકવવા માટે ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી ભાવનગરને મોકલી આપવાનો હુકમ કરેલ છે. આ કોર્ટના ચુકાદાની વર્તમાન સ્થિતીમાં આવા પ્રલોભનો આપવા કે લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવા કે તેના જવી પ્રવૃતિ ઉપર લગામ આવે અને ભવિષ્યમાં આવા ગુના અટકાવવામાં આવે તેવા અભિગમ તરીકે પણ આ ચુકાદો જોવામાં આવે છે.

(11:34 am IST)