Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ઝાલાવાડમાં કોરોનાથી વધુ ૪ના મોત : ભૂજમાં સંક્રમણ વધ્યું ૨૫ કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૭, ભાવનગર જિલ્લામાં પણ ૧૭ અને મોરબી જિલ્લામાં ૯ કેસ નવા નોંધાયા

રાજકોટ તા. ૧૯ : સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો હોઇ તેમ ઝાલાવાડમાં કોરોના વધુ ૪ને ભરખી ગયો છે. જ્યારે ભુજમાં સંક્રમણ વધ્યું હોય તેમ કચ્છમાં નવા ૨૫ કેસ નોંધાયા છે તો બીજી બાજુ સુરેન્દ્રનગર-૧૭, ભાવનગર-૧૭ અને મોરબી જિલ્લામાં નવા ૯ કેસ નોંધાવા પામ્યા છે.

વઢવાણ

વઢવાણના પ્રતિનિધિના અહેવાલ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન લોકલ સંક્રમણ વધતાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને બીજી બાજુ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતાં તંત્ર સહિત લોકો માટે ચીંતાનો વિષય બન્યો છે.

દરરોજ બીનસત્તાવાર રીતે અંદાજે ૩૫થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૧૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં.

અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૩૪૮૯ થયો હતો. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં અંદાજે ચારથી વધુ વ્યકિતના કોરોનાથી મોત નીપજયાં હતાં આ તમામ મૃતકોની કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી.

નવા પૈકી અડધોઅડધ દર્દીઓ ભુજના

ભુજ : છેલ્લા ઘણા દિવસોથી કરછમાં કોરોનાનુ સંક્રમણ મુખ્ય પાટનગર ભુજમાં વધી રહ્યું છે. અત્યારે પણ નવા ૨૫ પૈકી અડધોઅડધ દર્દીઓ ભુજના છે. અત્યારે ૨૫૬ એકિટવ દર્દીઓ સાથે કુલ પોઝિટિવ દર્દીઓ નો આંકડો ૩૭૦૧ થયો છે. જયારે સાજા થનાર દર્દીઓ ૩૩૨૩ અને મૃત્યુ પામનારા ની સંખ્યા સરકારી ચોપડે ૮૧ છે.

ભાવનગરમાં ૯૮ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર : જિલ્લામા વધુ ૧૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૬૨૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૩  સ્ત્રી મળી કુલ ૧૩ કેસ નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, ગારીયાધાર તાલુકાના રતનવાવ ગામ ખાતે ૧ તેમજ મહુવા ખાતે ૧ કેસ મળી ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકાના ૧૯ તેમજ તાલુકાઓના ૩ એમ કુલ ૨૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૬૨૧ કેસ પૈકી હાલ ૯૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૪૪૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબીમાં કુલ કેસ ૩૦૦૧

મોરબી જીલ્લામાં કોરોના કેસો ઘટી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જીલ્લામાં કોરોનાના માત્ર ૦૯ નવા કેસો નોંધાયા છે જેની સામે ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૫ કેસ જેમાં ૦૩ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, વાંકાનેર અને હળવદમાં ૦૧-૦૧ કેસ જયારે ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૦૯ કેસો નોંધાયા છે તો ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૦૦૧ થયો છે જેમાં ૧૪૨ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૬૬૦ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:31 am IST)