Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ગિરનાર રોપ-વેમાં કોરોના વોરિયર્સને ૪૦ ટકા ડિસ્કાઉન્ટ મળતા સિવીલના ૧૯ સ્ટાફે રોપ-વેની સફર કરી

જૂનાગઢ સિવીલ હોસ્પિટલના ૪ તબીબો અને નર્સિંગ સ્ટાફે બાળકો સાથે રોપ-વેનો લાભ લીધો

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૧૯ : ઉષા બ્રેકો કંપની દ્વારા મહત્વનો નિર્ણય લઇ ગિરનાર રોપ-વેની સફરમાં કોરોના વોરિયર્સને ૪૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટનો લાભ જૂનાગઢ સિવીલ હોસ્પિટલના તબીબો અને નર્સિગ સ્ટાફે લીધો હતો અને માં અંબાના દર્શન કર્યા હતા.

ગિરનાર રોપ-વેનો લાભ અનેક લોકો લઇ ચુકયા છે. ત્યારે કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ડોકટરો, નર્સ, એમ્બ્યુલન્સના ડ્રાઇવર, પોલીસ, આશા વર્કર અને કોવીડ-૧૯ની કામગીરી સંભાળી રહેલા મેડીકલ સ્ટુડન્સ, મીડીયા તેમજ પાવર, ગેસ, ટેલીકોમ, સંરક્ષણ દળની વ્યકિતઓ અને તેમના પરિવારો માટે ૪૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.

ત્યારે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા બે ગાયનેકોલોજીસ્ટ, બે મેડીકલ ઓફિસર અને ૧૫ જેટલા નર્સિગ સ્ટાફે તેમના બાળકો સાથે આ ડિસ્કાઉન્ટનો લાભ લઇ રોપ-વેની સફર કરી હતી અને માં અંબાના દર્શન કર્યા હતા.

સિવીલ હોસ્પિટલમાં નર્સિગ હેડ તરીકે ફરજ બજાવતા એચ.આર.ઝાલાએ જણાવ્યું હતું કે, રોપ-વેની ટીકીટમાં કોરોના વોરિયર્સને ૪૦ ટકા ડિસ્કાઉન્ટ મળતા સ્ટાફ અને બાળકો સાથે લાભ લઇ માં અંબાના દર્શન સાથે રોપ-વેની સફરની મજા માણી છે.

(11:13 am IST)