Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

તાલાલા-સુરેન્દ્રનગર-કચ્છમાં ભૂકંપના ૫ આંચકા

જો કે તિવ્રતા ઓછીઃ એક જ દિવસમાં જુદા - જુદા સ્થળે ધરા ધ્રુજી

રાજકોટ, તા. ૧૯ :. આજે સવારથી બપોર સુધીમાં તાલાલા, સુરેન્દ્રનગર અને કચ્છમાં ભૂકંપના ૫ આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યુ છે કે, આજે સવારના ૭ વાગ્યાથી બપોરના ૧૨.૩૦ વાગ્યા સુધીમાં ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને કચ્છ જીલ્લામાં ૫ હળવા આંચકા અનુભવાયા હતા.

જેમા આજે મંગળવારે સવારે ૭.૦૯ વાગ્યે સુરેન્દ્રનગરમા ૧.૭ ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ સવારના ૮.૧૮ વાગ્યે ૨.૦ અને બપોરે ૧૧.૨૫ વાગ્યે ૨.૧ની તિવ્રતાનો સુરેન્દ્રનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જ્યારે બપોરે ૧૨.૩૯ વાગ્યે કચ્છના ભચાઉમાં ૨.૩ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જ્યારે બપોરે ૧૧.૪૪ વાગ્યે ગીર સોમનાથ જીલ્લાના તાલાલા (ગીર)થી ૧૨ કિ.મી. દૂર ૨.૪ની તિવ્રતાનો ધરતીકંપનો આંચકો નોંધાયો હતો.

જો કે તિવ્રતા ઓછી હોવાથી લોકોએ રાહત અનુભવી હતી.

(3:48 pm IST)