Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

કચ્છમાં ઝેરી દવા પી લેનાર યુવક-યુવતીના મોત

માતાના મઢ ગામના તળાવ પાસે ખંઢેરી ગામના યુવક અને વાંકાનેરની ૩ યુવતિએ અગમ્ય કારણોથી દવા ગટગટાવી લીધી'તીઃ બે યુવતી હજુ બેભાન : કારણ અંગે પોલીસ તપાસનો ધમધમાટ

ભુજ, તા., ૧૯ :  કચ્છના માતાના મઢ ગામમાં રાજકોટ જીલ્લાના ખંઢેરી ગામના એક યુવક અને વાંકાનેરની ૩ યુવતિઓએ એક સાથે ઝેરી દવા ગટગટાવી લેતા હાહાકાર મચી ગયો હતો.  દરમિયાન ઝેરી દવા પી લેનાર ખંઢેરી ગામના યુવક અને એક યુવતીનું આજે સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જયારે બે યુવતી બેભાન અવસ્થામાં ભુજ સારવારમાં છે. જોકે ઝેરી દવા શા માટે પીધી? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

માતાના મઢ આવેલા એક યુવક અને ત્રણ યુવતીઓએ સામગટે ઝેરી દવા પી લેતા ચકચાર મચી હતી. આ બનાવમાં ઝેરી દવા પી લેનાર બે યુવતી હજુ  સારવાર હેઠળ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ખંઢેરી ગામના વિજય જેન્તીલાલ આગરીયા (ઉ.૨૨) અને તેની સાથે ત્રણ યુવતીઓ હેતલ હસમુખ આગરીયા (ઉ.૧૯) અને એક ૧૪ વર્ષની સગીરા તથા કોમલ મનસુખ આગરીયા (ઉ.૧૮) માતાના મઢ ફરવા આવ્યા હતા તે દરમિયાન મોડી સાંજે માતાના મઢના ગામના તળાવ પાસે તેમણે સામગટે ઝેરી દવા પી લીધી હતી. જે પૈકી કોમલે રાડારાડ કરતા ગામ લોકો દોડી આવ્યા હતા. તેમણે પહેલા માતાના મઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કર્યા હતા. ત્યાંથી ચારેયને ભુજની સરકારી હોસ્પિટલમાં મધરાતે દાખલ કરાયા છે. ચારેય હજી સારવાર હેઠળ છે પરંતુ ઝેરી દવા પીનારા ચારેયમાં ૧૮ વર્ષીય સગીરા કોમલનાં જણાવ્યા પ્રમાણે વિજયે પહેલા હેતલ, મનીષા અને પોતે એમ ત્રણેય જણે ઝેરી દવા પીધી હતી. ત્યારબાદ તેણીને એટલે કે કોમલને ઝેરી દવા પીવડાવી હતી. દરમિયાન આજે કોમલ મનસુખભાઇ આગરીયા અને રાજકોટ નજીકના ખંઢેરી ગામના વિજય જેન્તીલાલ આગરીયા નામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા  અરેરાટી વ્યાપી ગઇ છે.  પરંતુ આ બંનેની સાથે એક સગીરા અને કોમલને શા માટે ઝેરી દવા પીવડાવી અથવા તો તમામે સાથે પીધી એ શોધવા પોલીસ મથી રહી છે.

બીકના માર્યા પગલુ ભર્યુ હશે?

વાંકાનેર, તા., ૧૯: વાંકાનેરની એક સગીરા સહિત બે યુવતી અને એક યુવકે ઝેરી દવા પી લેતા તમામને ભુજ હોસ્પીટલમાં સારવામાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે વાંકાનેરના કાઉન્સીલર કાંતીભાઇએ જણાવ્યું હતું કે, પિતરાઇ ત્રણેય બહેનો ખંઢેરી ગઇ હતી અને ત્યાંથી પરીવારજનો ઠપકો આપશે તે બીકથી છેક કચ્છ માતાના મઢ ગામ પહોંચી ગઇ હતી. જયાં પરીવારજનોના ભયથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

સગીરા સીધી જ પિતરાઇ બહેનો સાથે ચાલી જતા વાંકાનેર પોલીસમાં ફરીયાદઃ મૃતક યુવકને ઘર સાથે સંપર્ક ન હોવાનું ખુલ્યું

ભુજઃ આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ ઝેરી દવા પી લેનાર એક સગીરા હજુ સારવાર હેઠળ છે. આ સગીરા સ્કુલેથી જ સીધી આ યુવક અને પિતરાઇ બહેનો સાથે કચ્છ જતી રહી હતી. તેમના પરિવારજનોએ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં સગીરા લાપત્તા થઇ હોવાની ફરીયાદ કરી છે.

મૃતક વિજય જેન્તીલાલ આગરીયા મંડપ સર્વિસમાં નોકરી કરતો હોવાનું અને લાંબા સમયથી ઘર સાથે સંપર્ક ન હોવાનું જાણવા મળ્યું છે.

(3:39 pm IST)