Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જાગનાથ મંદિર યોગ કેન્દ્ર દ્વારા યોજાયો યાદગાર પ્રવાસઃ મોજ-મસ્તીમાં સૌ કોઇએ લગાવ્યા ધુબાકા

દીદી અને મેડમના સાથ સહયોગથી યોગ કેન્દ્રના પરિવારના સભ્યોએ માણી મજા : જુનાગઢમાં કાશ્મીરીબાપુના આશ્રમમાં બાપુના તથા જટાશંકર મહાદેવના લીધા આશીર્વાદ

રાજકોટ તા.૧૯ : દરેક વ્યકિત આજે વજનને સમતોલ રાખવા, શરીરને મજબુત અને સ્થિતિસ્થાપક રાખવા, સુંદર અને ચમકતી રાખવા, શાંતિપુર્વકનું મન રાખવા, સારામાં સારૂ સ્વાસ્થ્ય રાખવા, પોતાના મન ઉપર કંટ્રોલ રાખવા અને નિરોગી રાખવા વિવિધ પ્રયોગો કરતા હોય છે પરંતુ તે માટે જીવનશૈલીમાં પરિવર્તન ઉપરાંત યોગની પણ અત્યંત મહત્વની જરૂરીયાત રહેતી હોય છે. લોકોને તન અને મનથી સ્વસ્થ રાખવા માટે અત્રેના સુપ્રસિધ્ધ જાગનાથ મંદિર ખાતે ઘણા વર્ષોથી પારિવારિક માહોલમાં યોગના વર્ગો ચાલી રહ્યા છે. જેમાં ભાગ લેતા ભાઇ-બહેનો એકબીજા સાથે લાગણી-હુફ-મિત્રતા સાથે જોડાયેલા છે. આ વર્ગમાં ભાગ લેતા ભાઇ-બહેનો જાગનાથ મંદિરના દીદી અને યોગ ઇન્સ્ટ્રકટર મેડમના માર્ગદર્શન અને આશીર્વાદથી સ્વસ્થ બની રહ્યા છે. દર વર્ષે આ વર્ગના ભાઇ-બહેનો પ્રવાસનુ આયોજન કરતા હોય છે એવામાં આ વર્ષે રવિવારે દીદી અને મેડમના સાથ સહકારથી જુનાગઢનો પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં આ વર્ગના ભાઇઓ-બહેનો ઉપરાંત તેમના પરિવારજનો ઉષ્માભેર જોડાયા હતા અને પ્રવાસની મજા માણી એક યાદગાર દિવસ પસાર કર્યો હતો.

જાગનાથ મંદિર યોગા કેન્દ્ર દ્વારા રવિવારે એક દિવસના યોજાયેલા જુનાગઢના પ્રવાસમાં યોગ પરિવારના સભ્યો અને તેમના પરિવારના સભ્યોએ જુનાગઢના સુપ્રસિધ્ધ કાશ્મીરીબાપુના આશ્રમ અને જટાશંકર મહાદેવ મંદિરની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી. આ બંને સ્થળોએ જવા માટે પગપાળા જવાનુ હોય છે અને આ પરિવારના નાના-મોટા તમામ સભ્યોએ પગપાળા જઇને ગિરનારની પ્રકૃતિ અને તેના સૌંદર્યની મજા લુંટતા બંને સ્થળોએ પહોંચ્યા હતા અને જટાધારી કાશ્મીરીબાપુના તથા જટાશંકર મહાદેવના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

આ સમગ્ર પ્રવાસ તમામ સભ્યોએ ખરાઅર્થમાં માણ્યો હતો એટલુ જ નહી સૌ કોઇએ પ્રવાસને આનંદ-કિલ્લોલથી ભરી દીધો હતો. આ સમગ્ર પ્રવાસનું આયોજન કાબીલે દાદ હતુ. આ પ્રવાસમાં નાના બાળકોથી માંડીને વૃધ્ધોએ પણ ભાગ લઇ પ્રવાસને યાદગાર બનાવ્યો હતો. આ સમગ્ર પ્રવાસ માટે દીદી અને મેડમે જબરી મહેનત ઉઠાવી હતી અને તેમને સાથ આપ્યો હતો અતુલભાઇ બુવારીયા તથા જયંતભાઇએ. પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકારની રમતો પણ રમાડવામાં આવી હતી જેને સૌ કોઇએ હોંશભેર માણી હતી. યોગ દ્વારા તન અને શાંતિ મળે છે પરંતુ આ પ્રકારના પ્રવાસોથી શરીરમાં ઉત્સાહ અને ઉર્જા પ્રાપ્ત થાય છે એ આ પ્રવાસે ચરિતાર્થ કર્યુ હતુ.(૩-૫)

સરળ-સ્વસ્થ જીવન જીવવુ છે ? પ્રાણાયમ કરવા માંડો

યોગના અગણિત લાભઃ શારીરિક સાથે આધ્યાત્મિક શાંતિ પણ પ્રાપ્ત થઇ શકે છે : વજન ઘટે, રોગો દુર ભાગે, ઇમ્યુનીટી વધે, ટેન્શન દુર થાય, ચિંતામાં રાહત મળે, ઉર્જામાં વૃધ્ધિ થાયઃ યોગ સંચાલિકા મેડમ

રાજકોટ : યોગ કેન્દ્રના સંચાલિકા મેડમે યોગ વિશે જણાવ્યુ હતુ કે, તન અને મનથી સ્વસ્થ રહેવુ હોય અને ભાગદોડભરી જીંદગીમાં સમયનો અભાવ હોય તો દરેક વ્યકિતએ ર૪ કલાકમાં થોડો સમય પ્રાણાયમ માટે કાઢવો જોઇએ. તેઓએ જણાવ્યુ છે કે યોગ એ પોતાની જાત સાથે જોડાવવાની ક્રિયા છે. યોગ એ તમારી શારીરિક, માનસિક, સ્વસ્થતાપુર્ણ જીંદગી જીવવાની ચાવી છે. ઉંડા શ્વાસ લઇ ડિપબ્રીધીંગથી સ્ટ્રેસ ઘટી જાય છે એટલુ જ નહી આપણુ મન પણ શાંત અને સ્વસ્થ રહે છે. તેઓએ જણાવ્યુ છે કે યોગથી શરીરને નિરોગી અને સ્વસ્થ રાખી શકાય છે. વજન ઘટાડવામાં, ફીટ રહેવામાં, મનને સ્થિર રાખવા તથા આંતરીક શાંતિ માટે યોગ મહત્વનો છે. યોગથી સુંદર વિચારો આવે છે જેને કારણે જીવનયાત્રા શાંતિ-ખુશી અને વધુ ઉર્જાવાળી બની જાય છે. નિયમિત રીતે યોગ કરવાથી અસંખ્ય લાભો પ્રાપ્ત થાય છે. માનસિક શાંતિ મળે છે, સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, શારીરિક શકિત વધે છે. શરીર શુધ્ધ બને છે, મન શાંત થાય છે અને અનેક રોગ આઘા રહે છે. તેઓ જણાવે છે કે દિવસમાં થોડી મીનીટનો યોગ દિવસભરની ચિંતાઓ મુકિત અપાવે છે એટલુ જ નહી શરીરથી હાનીકારક પદાર્થો દુર રહે છ એટલુ જ નહી યોગથી રોગપ્રતિકાર શકિતમાં પણ વધારો થાય છે. દરેક વ્યકિતએ જીવનની દિનચર્યામાં યોગ સામેલ કરવો જોઇએ કે જેથી સશકત, કોમળ અને સ્વસ્થ માનવી શકો. યોગથી શારીરિક જ નહી પણ આધ્યાત્મિક લાભો પણ થાય છે. દરેક વર્ગ યોગ કરી શકે છે. યોગના લાભો મળતા થતા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતતા આવી છે અને યોગનો અભ્યાસ કરવાવાળીની સંખ્યા પણ વધી છે. યોગના અગણિત લાભ છે. વિવિધ આસનોથી યોગ વિકારો પણ નષ્ટ થાય છે.

(3:31 pm IST)