Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જામનગર-દેવભુમી દ્વારકામાં ભાજપનો-૩, કોંગ્રેસનો ૪માં વિજય

ભાજપાના ૭૮ જામનગર ઉત્તરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા),૭૬ દક્ષિણમાં આર.સી.ફળદુ, ૮૧ દ્વારકામાં પબુભા માણેક વિજયીઃ કોંગ્રેસના ૭૬ કાલાવડ પ્રવિણભાઇ મુસડીયા, ૭૭ ગ્રામ્યમાં વલ્લભભાઇ ધારવીયા, ૮૦ જામજોધપુરમાં ચિરાગભાઇ કાલરિયા અને ૮૧ ખંભાળિયામાં વિક્રમભાઇ મામડનો વિજય

જામનગર તા.૧૯: જામનગર અને દ્વારકા જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો માટે આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીના અંતે છેલ્લા અહેવાલ મુજબ જામનગર જિલ્લાની ૫ બેઠકો પૈકી ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભામાં ભાજપાના ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નો કોંગ્રેસના જીવણભાઇ કુંભારવડિયા સામે અને ૭૯-જામનગર (દક્ષિણ) બેઠકમાં ભાજપાના આરસી ફળદુનો કોંગ્રેસના અશોકભાઇ લાલ સામે તથા ૮૨-દ્વારકા વિધાનસભા બેઠકમાં ભાજપાના પબુભા માણેકનો કોંગ્રેસના મેરામણભાઇ ગોરિયા સામે વિજય થયો છે. જયારે ૭૬-કાલાવડ બેઠકમાં કોંગ્રેસના પ્રવીણભાઇ નરશીભાઇ મુછડિયાનો ભાજપના ઘૈચડા મુળજીભાઇ ડાયાભાઇ સામે અને ૭૭-જામનગર (ગ્રામ્ય) બેઠકમાં કોંગ્રેસના ઘારવિયા વલ્લભભાઇ વેલજીભાઇનો ભાજપના રાઘવજીભાઇ હંસરાજ પટેલ સામે તથા ૮૦-જામજોધપુર બેઠકમાં કોંગ્રેસના ચિરાગ રમેશભાઇ કાલરિયા ભાજપના પૂર્વમંત્રી ચિમનભાઇ ધરમશીભાઇ શાપરિયાને હરાવી જાયન્ટ કિલર સાબિત થયા છે. તેમજ ૮૧-ખંભાળિયા બેઠકમાં વિક્રમભાઇ અરજણભાઇ માડમ ભાજપાના ઉમેદવાર કાળુભાઇ ચાવડા સામે વિજેતા જાહેર થયા છે.

આજે સવારથી જ જામનગર જિલ્લાની પ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૨ વિધાનસભા બેઠકો માટે જિલ્લા કલેકટર રવિશંકર અને એસ.પી. પ્રદીપ સેજુળની રાહબરી હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ થયો હતો.

સવારે પ્રથમ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ બેલેટ પેપર દ્વારા કરાયેલા મતદાનની મતગારી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇવીએમ મશીનના મતોની મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મતગણતરી સમયે જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને ભાજપ અને કોંગ્રેસ તથા અપક્ષના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. મતગણતરીના પ્રારંભથી જ હાલારની સાત બેઠકો પૈકીની ચાર બેઠકોમાં ભાજપા અને ત્રણ બેઠકોમાં કોંગ્રેસ આગળ રહ્યું હતું.

પરંતુ ધીમે ધીમે જેમ જેમ ગણતરી થતી ગઇ તેમ તેમ સ્થિતિ બદલાતી ગઇ અને કોંગ્રેસ ચાર અને ભાજપાએ ત્રણ કબ્જે કરી છે. સાત બેઠકોમાં મતગણતરી શરૂ થયા બાદ સૌથી વધુ આશ્ચર્યજનક પરિણામ ૮૦-જામજોધપુર બેઠકનું રહ્યું છે. જેમાં કોંગ્રેસના ચિરાગ કાલરિયાએ ભાજપાના પુર્વમંત્રી અને ધારાસભ્ય ચિમનભાઇ શાપરિયાને ર૪૫૬ મતે હરાવી અપસેટ સર્જયો હતો. જયારે ૭૬-કાલાવડ બેઠકમાં કોંગ્રેસના પ્રવીણ મુછડિયાનો ભાજપાના મુળજીભાઇ ધૈયડા સામે ૩૨,૮૫૫ની જંગી લીડ સાથે વિજય થયો છે. તેમજ ૮૧-ખંભાળિયા બેઠકમાં કોંગ્રેસના  વિક્રમભાઇ માડમનો ભાજપાના કાળુભાઇ ચાવડા રામે તેમજ ૭૯-જામનગર (દક્ષિણ) બેઠકમાં ભારે રસાકસીના માહોલ બાદ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુએ કોંગ્રેસના હરીફ ઉમેદવાર અશોક બાબુભાઇ લાલને મતગણતરીના અંતે ૧૬,૨૪૧ મતે પરાજય આપ્યો હતો.

જયારે ૭૮-જામનગર (ઉત્તર) વિધાન સભા બેઠકમાં જંગી બહુમતિથી વિજય મેળવવાની ધારણા સાચી થતી હોય તેમ ભાજપાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને કુલ ૮૩,૧૯૯૮ મત મળ્યા હતા તેની સામે કોંગ્રેસના જીવણભાઇ કુંભારવાડિયાને ૪૭,૩૭૪ મત મળતાં હકુભાની ૩૯,૮૩૪ મતોથી ભવ્ય જિત થઇ હતી.

૮૨-દ્વારકા વિધાનસભા બેઠકમાં ૭-૭ ટર્મથી અપરાજિત અને ભાજપાના ઉમેદવાર પબુભા માણેકે તેના હરીફ ઉમેદવાર કોંગ્રેસના મેરામણભાઇ ગોરિયાને ૭૮૩૨ મતે હરાવી ફરીથી વિજયપતાકા લહેરાવ્યા હતા. તેમજ ૭૭-જામનગર (ગ્રામ્ય) બેઠકમાં ભાજપના રાઘવજીભાઇ પટેલને તેના હરીફ કોંગ્રેસના ઉમેદવાર વલ્લભભાઇ ઘારવિયાએ પરાજીત કરી જાયન્ટ કિલર બન્યા છે.

(12:54 pm IST)