Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

આ બે ઉમેદવારોની હાર તો નરેન્દ્રભાઇને પણ નથી ગમી

જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂ અને ધારીમાં દિલીપ સંઘાણી હાર્યા એ જાણ્યા પછી વડા પ્રધાને તેમને પર્સનલી ફોન પણ કર્યો

નવી દિલ્હી તા.૧૯: ગુજરાત વિધાનસભાનાં ગઇ કાલે આવેલાં રિઝલ્ટમાં BJPના અનેક પ્રધાનો અને નેતાઓ હાર્યા, પણ એ બધાનો BJPના બાદશાહ નરેન્દ્રભાઇ મોદીને કોઇ રંજ નથી, પણ BJPના બે ઉમેદવારોની હારથી તેમને ઝાટકો વાગ્યો અને તેમની હાર તો તેમને પણ ગમી નથી. મોદીના જે બે ફેવરિટ નેતાઓ હાર્યા એમાં એક તો જૂનાગઢના BJPના ઉમેદવાર અને છેલ્લી ૬ ટર્મથી એકધારા જીતતા આવેલા મહેન્દ્ર મશરૂ અને અમરેલી જિલ્લાની ધારી બેઠકના દિલીપ સંઘાણીનો સમાવેશ છે. મશરૂ અને સંઘાણીની હારની ખબર પડ્યા પછી નરેન્દ્ર મોદીએ એ બન્નેને ફોન કર્યો અને તેમની સાથે વાતો પણ કરી હતી. મહેન્દ્રભાઇએ 'મિડ-ડે' ને કહ્યું હતું કે 'તેમને ઝાટકો વાગ્યો કે આવું કેમ બને? આવું તો ચાલ્યા કરે. મેં પણ તેમને  એ જ કીધું કે કામ કરવાનું છે અને એ તો ચાલુ જ રહેશે.'

મશરૂ અને સંઘાણીને નરેન્દ્ર મોદી હવે સંગઠનના કામે લગાડી દેશે એ વાત પણ નક્કી છે. એક શકયતા એ પણ છે કે આ બન્ને નેતાઓ પાસે BJP આગામી લોકસભાની તૈયારી પણ શરૂ કરાવી દે.

મહેન્દ્ર મશરૃઃ આગવી પ્રતિભા

છેલ્લી ૬ ટર્મથી BJPમાં જીતતા આવતા મહેન્દ્ર મશરૂએ આજ સુધીમાં વિધાનસભ્ય તરીકેનો પગાર લીધો નથી અને તેમણે લેખિતમાં પણ આપી દીધું છે કે હું નિવૃતિ પછી પેન્શન પણ લેવાનો નથી. મહેન્દ્ર મશરૂને જૂનાગઢમાં સૌકોઇ ઓલિયો-આત્મા કહે છે. સમાજસેવામાં પારિવારિક નડતર ન આવે એવા હેતુથી તેમણે મેરેજ પણ નથી કર્યા. મહેન્દ્ર મશરૂની કામગીરી અને તેમની દરિયાદિલી નરેન્દ્ર મોદીને ખૂબ ગમે છે એટલે તેઓ તેમની સાથે પર્સનલી સંબંધો રાખે છે. મહેન્દ્ર મશરૂ જૂનાગઢ જવા માટે STની બસનો ઉપયોગ કરે છે. ૨૦૧૨ થી ૨૦૧૭માં મહેન્દ્રભાઇની સંપત્તિમાં ફકત સવા લાખ રૂપિયાનો વધારો થયો છે.ે

દિલીપ સંઘાણીઃ નોખંુ વ્યકિતત્વ

નરેન્દ્ર મોદીના અંગત મિત્રોની યાદી બહુ નાની છે, પણ એમાં દિલીપ સંઘાણીનું નામ ટોચ પર છે. અમરેલીના સંસભ્ય પરષોત્તમ રૂપાલાના પણ તેઓ નાનપણના ભાઇબંધ છે. ૨૦૦૭ની વિધાનસભાના ઇલેકશનમાં હાર્યા પછી દિલીપ સંઘાણી સંગઠનના કામે લાગી ગયા હતા. તેમને આ વખતે પણ ઇલેકશન લડવું નહોતું પણ નરેન્દ્ર મોદીના આગ્રહને વશ થઇ તેઓ ઇલેકશન લડવા તૈયાર થયા અને પોતાના પ્રતિસ્પર્ધી જે.વી.કાકડિયા સામે ૧૫,૩૩૬ મતથી હારી ગયા. મિડ-ડેના રશ્મિન શાહના હેવાલ મુજબ મોદીના અંગત આ બન્ને ઉમેદવારોને પાટીદાર-ફેકટર ખૂબ ખરાબ રીતે નડી ગયું અને પાટીદાર અનામત આંદોલનને લીધે પાટીદારોના મત તેમને મળ્યા નહી.

(11:51 am IST)