Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

વેરાવળ-પાટણને જોડતો રસ્તો બનાવ્યાના ૨ મહિનામાં જ ગાબડા

પ્રભાસપાટણ, તા. ૧૯ :. વેરાવળ-પાટણ શહેરને જોડતો અને વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાની હદમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા બનાવવામાં આવેલ રોડની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચારની ફરીયાદ ઉઠી છે. જે રોડ બનતાની સાથે જ બે મહિનામાં જ રોડ તૂટી જતા જિલ્લા કલેકટરને લેખીતમાં રજૂઆત કરેલી પરંતુ કલેકટર દ્વારા ફકત લાગતા વિભાગ પાસેથી ફકત અહેવાલ રીપોર્ટ માંગી સંતોષ માની લેવા પ્રભાસપાટણના રહેવાસી સોયબભાઈ ગઢીયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં તા. ૨૯-૧૧-૨૦૧૭ના રોજ પી.આઈ.એલ. દાખલ કરેલ જેની હીયરીંગ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તા. ૬-૧૨-૨૦૧૭ના રોજ થતા ગુજરાત હાઈકોર્ટ પી.આઈ.એલ. રજુ કરાયેલા પુરાવા અને અરજદાર સોયબભાઈ ગઢીયાની રજુઆત સાંભળી પી.આઈ.એલ. માન્ય રાખી તમામ જવાબદાર વિભાગ તથા કોન્ટ્રાકટરોને નોટીસ ફટકારવા હુકમ કરેલ હતો અને બીજી હીયરીંગ તા. ૧૮-૧-૨૦૧૮ના રોજ રાખી તમામ વિભાગ તથા કોન્ટ્રાકટરોને ખુલાસા રજુ કરવા માટે નોટીસ આપવા હુકમ કર્યો છે.

સોયબભાઈ ગઢીયા સાથે વેરાવળ-પાટણ શહેરની જનતા મોટી સંખ્યામાં જોડાઈ રહી છે અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી સહકાર આપેલ છે. આ સમગ્ર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર વિરૂદ્ધની થયેલ પી.આઈ.એલ. અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટીસ ફટકારવાનો હુકમ થતા સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં આ ઘટનાની તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠી છે.

(11:49 am IST)