Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

પોરબંદરના સ્વ. વસંતબેન પરમાર સાદગી પ્રમાણિકતા અને કર્મના ત્રિવેણી સંગમ હતા

ચોપાટી ખાતે પ્રબુદ્ધ નાગરિકો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

પોરબંદર, તા. ૧૯ : સાદગી, પ્રામાણિકતા કર્મનો ત્રિવેણી સંગમ સમા વસંતબેન પરમાર (ઉ.વ.૯૧) તે સ્વ. રઘુભાઇ પરમારના પુત્રી તથા સ્વ. હરીશભાઇ વજુભાઇ પરમાર (પૂર્વ પ્રોફેસર એમ.ડી. સાયન્સ કોલેજ)ના બહેન તથા પ્રતીક અને હાર્દિક (મારૂતી જીમ)ના ફઇબાનું નિધન થતાં સદગતની ચોપાટી મેદાન ખાતે પ્રબુદ્ધ નાગરિકો દ્વારા શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો.

ઇતિહાસ વિદ્ સુમનસિંહ ગોહિલે વસંતબેનના નિધનથી પોરબંદરના શૈક્ષણિક, ધાર્મિક સામાજિક જીવનને નારી રત્નને પુરી શકાય નહીં તેવી ખોટ પડી છે. શિક્ષક અને સર્જક આપણી વચ્ચે કાયમી જીવંત રહે છે. કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડાએ જાહેર જીવનના મૂલ્યનિષ્ઠ વસંતબેન સતાના નહી સેવાના માનવી હતા તેમનું જીવન સમાજના આજના સારસ્વતો માટે દાખલારૂપ જ નહીં પ્રેરણારૂપ હતું. ડો. ઇશ્વર પરમાર લિખિત ગુજરાતના શિક્ષણના સિતારા પુસ્તકમાં પોરબંદરના સાત શિક્ષણના સિતારાનો ઉલ્લેખ છે જેમાં પ્ર. ત્રિવેદ, સ્વ. ડો. રામચન્દ્ર દેવપુરકર, ચિત્રકાર અરીસિંહ રાણા, મણીભાઇ વોરા, રતિભાઇ છાંયા, દેવજીભાઇ મોઢા, દેવજીભાઇ વાજા અને વસંતબેન પરમારનો સમાવેશ થયેલ છે. સવંતબેન પરમાર શિક્ષણના છેલ્લા સિતારો ખરી પડતા શિક્ષણ જગત રાંક બન્યું છે.

આર્ય કન્યા ગુરૂકુળના પૂર્વ આચાર્યા શ્રી પુષ્પાબેન જોષી, બાલુબા કન્યા વિદ્યાલયના પૂર્વ પ્રિન્સીપાલ શોભનાબેન સામાણી, કિશોરીબેન છાંયા વગેરેએ વસંતબેનની આજીવન સાદગી, ખુમારી અને વફાદારીમય જીવન જીવનારને શિક્ષણના મૂલ્યનિષ્ઠ મશાલથી ગણાવી શ્રદ્ધાંજલી અર્પી હતી. જ્ઞાતિના પ્રમુખ વજુભાઇ એરડાએ જ્ઞાતિમાં સ્ત્રી શિક્ષણનો અભાવ હતો ત્યારે વસંતબેન પરમારે જ્ઞાતિની દીકરીઓને ભણતી કરીને નારી શિક્ષણનો પ્રેરક સંદેશો પૂરો પાડયો હતો.

પૂર્વ સાંસદ ભરતભાઇ ઓડેદરા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, શહેરના તબીબો ડો. ભરતભાઇ ગઢવી, ડો. એન.યુ. જાડેજા, ડો. રણજીત લાખાણી, ડો. અશોકભાઇ ગોહિલ, એડવોકેટ દીપક લાખાણી, પૂર્વ ચીફ ઓફીસર મનુભાઇ વિઠલાણી, સુરેન્દ્ર પરમાર, આર.જી. ટીચર્સ કોલેજના પ્રોફેસર ડો. મીતાબેન થાનકી લેખક હરીશભાઇ થાનકી વગેરેને પુષ્પાંજલિ અર્પણ કરી વસંતબેનના જીવનને નારી શિક્ષણક્ષેત્રે દીવાદાંડીરૂપ ગણાવ્યું હતું.

શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડો. જનક પંડીત, ભરતભાઇ ચૌહાણ, ભરતભાઇ મોદી, ઇન્દુભાઇ બાપોદરા, દુર્ગાબેન લાદીવાલા, ડો.દેવપુરકર, વિનુભાઇ વાળા, સહિત શહેરની વિવિધ શાળા કોલેજોના આચાર્યો શિક્ષણગણ, સમાજશ્રેષ્ઠીઓ પ્રબુદ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહી બે મિનિટનું મૌનપાળી સદ્ગત સારસ્વત મહિલાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

(11:47 am IST)