Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ગોંડલના ભુણાવા ચોકડી નજીક અકસ્માત બાદ યુવાનોની અગમચેતીથી મોટી જાનહાની ટળી

ટ્રક વિજ થાંભલા સાથે અથડાતા જીવંત વિજ વાયરો હાઇવે પર પટકાયા

ગોંડલ તા.૧૯ : ગતરાત્રે ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર ભુણાવા ચોકડી ઉપર બેકાબુ બનેલો ટ્રક રોડની સાઇડમાં રહેલ વિજ થાંભલા સાથે ટકરાઇ પલ્ટી મારી જતા ટ્રક ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. અકસ્માતના પગલે ઇલેવન કેવીના જીવંત વાયરો હાઇવેની બંને બાજુ રોડ ઉપર નમી જતા પસાર થતા વાહનોને અડકે અને શોર્ટ સર્કીટને કારણે કોઇ ગમખ્વાર ઘટના સર્જાય તે પહેલા ભુણાવાના સેવાભાવી યુવાનો અને હોટલધારકોએ બંને બાજુથી આવતા વાહનોને થોભાવી સરાહનીય કાર્યકર્તા મોટી જાનહાની અટકી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાફીકથી ધમધમતા ભુણાવા ચોકડી ઉપર ગતરાત્રે ચોકડી પસાર કરી રહેલ જીજે-૦૩વી-૮૩૦૧ નંબરના ટ્રક ચાલકે અચાનક કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઇડમાં રહેલા વિજ થાંભલા સાથે અથડાઇ પલ્ટી મારી જતા ટ્રક ચાલકને પગના ભાગે ઇજા થવા પામી હતી. બનાવના પગલે દોડી આવેલા ભુણાવાના યુવાનો અને ચોકડી પરના હોટેલધારકોએ ટ્રકમાં ફસાયેલ ચાલકને તાકીદે બહાર કાઢયો હતો. અકસ્માતના કારણે ઇલેવન કેવીના હાઇવેની બંને બાજુ નમી ગયા હોય જો ભારવાહક વાહનો કે લકઝરીને અટકી જાય તો શોર્ટ સર્કીટને કારણે મોટી જાનહાની થવાની સંભાવના સર્જાતા યુવાનોએ બંને તરફના વાહનો ચોકડી ઉપર થંભાવી વિજ તંત્રને જાણ કરતા દોડી ગયેલ પીજીવીસીએલ કર્મચારીઓએ તુરંત વિજ પુરવઠો અટકાવી નમી પડેલા વિજ વાયરોને કાપીને દુર કરતા જોખમ ટળ્યુ હતુ. જો યુવાનો અને હોટેલધારકોએ તાકીદે દુરંદેશી ના દાખવી હોત તો ભુણાવા ચોકડી ઉપર અનેક વાહનો શોર્ટ સર્કીટથી સળગી ઉઠયા હોત અને ભયંકર ઘટના બનવા પામી હોત, બનાવના પગલે કલાકો સુધી વિજ પુરવઠો ખોરવાયો હતો. અલબત મોટી જાનહાની ટળી હતી.

(11:43 am IST)