Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

તળાજામાં કોંગ્રેસને પાતળી જીત અપાવવા પાછળ અનેક કારણોઃ શિવાભાઇએ જવાબ આપવાનુ ટાળ્યુ ! તળાજાના લોકો માટે હું હંમેશા અડધી રાતનો હોકારો બનશીઃ ગૌતમભાઇ ચૌહાણ

આવનાર નગરપાલિકા, માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પર કોંગ્રેસની જીતની કોઇ અસર નહી પડેઃ ભાજપ શહેર-ગ્રામ્ય પ્રમુખઃ લોકોએ વ્યકિતને પારખીને મત આપ્યાઃ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી

ભાવનગર તા.૧૯ : ભાવનગર જીલ્લામાં ભાજપનો ગઢ તળાજા હતુ. ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે ભાજપને સૌથી વધુ લીડ જીલ્લામાં તળાજા વિસ્તારમાંથી મળી હતી. જે આજના પરિણામ જોતા ભાજપનો ગઢ પડી ભાંગ્યો છે આમ તો કાંગરા ખરવાનુ પેટાચૂંટણી, તાલુકા જી.પં.ની ચૂંટણી અને ન.પા.ની પેટાચૂંટણી તથા સરપંચોની ચૂંટણી સમયે જોવા મળેલ પરંતુ ભાજપએ ગંભીરતા સેવવાના બદલે કોંગ્રેસ તળાજામાં મજબુત બની રહી હોય તેની દુર્લક્ષતા સેવતા આજે ભાજપે હારનો સામનો કરવો પડયો છે.

તળાજા વિધાનસભા મતક્ષેત્ર રાજયમાં જેમની સરકાર બેસે તેજ સરકારના ધારાસભ્ય અહીથી ચૂંટાયા હોવાના ઇતિહાસને લઇ પરિવર્તન આવ્યુ. સતત રર વર્ષથી ભાજપનો ભગવો લહેરાતો હતો તેવા ભાજપનો ગઢ તોડવામાં કોંગ્રેસની વ્યુહરચના સફળ માનવામાં આવે છે. કનુભાઇ બારૈયાની જીતને લઇ ભાજપ-કોંગ્રેસ બંનેના મુખ્ય હરીફ ઉમેદવારો જાહેર થતા જ રાજકીય સમીક્ષકોની નજરમાં મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ હતુ તેમ છતાંય ભાજપની પાતળી સરસાઇથી હારને લઇ આજે ધારાસભ્ય શિવાભાઇ ગોહિલને હાર પાછળનું કારણ પુછવામાં આવ્યુ ત્યારે તેઓએ ગાડી ચલાવુ છુ તેમ કહી જવાબ આપવાનુ ટાળ્યુ હતુ. આમ આજેય તેઓ સ્પષ્ટ, નિખાલસપણે બોલી શકયા ન હતા.

તાલુકા ભાજપના અધ્યક્ષ અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિક્રમસિંહ ગોહિલએ હારના કારણમાં પાર્ટીની ઉમેદવાર પસંદગી તેમ છતાં કાર્યકર્તાઓએ સારી મહેનત કરી હોઇ પાતળી સરસાઇથી હાર્યા હોવાનું જણાવ્યુ હતુ. આ ચૂંટણીની અસર આવનારા દિવસોમાં માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પર નહી પડે તેમ સ્પષ્ટ જણાવ્યુ હતુ.

શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ જાનીએ કાર્યકર્તાઓની નારાજગી નકારી હતી. હારવાના કારણમાં ઘણા બધા ફેકટર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. એક માસ બાદ તળાજા ન.પા.ની ચૂંટણી પર આ ચૂંટણીની અસર નહી પડે કારણ કે તળાજામાં ઘણો જ પાલિકાએ વિકાસ કાર્યો કર્યા છે.

શહેર મહામંત્રી હિંમતભાઇ ડાભીએ જે મતો મળ્યા છે તે કાર્યકર્તાઓની મહેનત ગણાવી પાતળી સરસાઇથી હાર્યાનું કહી બહુમત પબ્લીકે ન સ્વીકાર્યા તેમ જણાવી નગરપાલિકાની ચૂંટણી વ્યકિતને જોઇને ખાસ લડાતી હોય પાલિકાની ચૂંટણીમાં વિધાનસભાની હારની અસર જોવા નહી મળે તેમ કહ્યુ હતુ.

પરાજીત ઉમેદવાર ગૌતમભાઇ ચૌહાણએ હારનું કારણ વિશ્લેષણ કર્યા પછી ખબર પડે પરંતુ તેઓએ કેટલાક કાર્યકર્તાઓની નીરસતા જણાવ્યુ હતુ. જો કે પોતે લોકો વચ્ચે રહીને અડધી રાતનો હોકારો બનતો રહીશનું જણાવ્યુ હતુ.

બીજી તરફ અપક્ષ ઉમેદવાર તરીકે સબળ ઉમેદવાર તરીકે ઉભરી આવેલ અને સર્વે સમાજના હિત ખાતર અપક્ષ ઉમેદવારી પરત ખેંચી લીધા બાદ કોંગ્રેસમાં જીલ્લા મહામંત્રી તરીકે જોડાય જનાર મહેન્દ્રસિંહ સરવૈયા (ઇન્દ્રાણી ગેસ) એ જણાવ્યુ હતુ કે, બહુમત લોકોએ જ્ઞાતિવાદને જાકારો આવ્યો છે. ભાજપ પ્રત્યેનો અસંતોષ હોવાનું કહ્યુ હતુ. તળાજા ન.પા.ની ચૂંટણી બાબતે વ્યકિતવાદ તરફ તળાજાનું રાજકારણ જઇ રહ્યુ હોવાનુ કહ્યુ હતુ. પાલિકામાં પણ યોગ્ય ઉમેદવારને જોઇ મતદારો નિર્ણય લેશે.

તાલુકા કોંગ્રેસ મહામંત્રી તખતસિંહ સરવૈયાએ કોંગ્રેસની જીત પાછળ ભાજપના શાસનમાં મુખ્ય કામો ધારાસભ્ય અને સરકારની નિષ્ક્રિયતાના કારણે થયા નથી સાથે લોકોએ સેવાભાવી અને સરળ માણસને જીત અપાવી હોવાનું કહ્યુ હતુ.

ભાજપના અમુક કાર્યકર્તાઓ ખુલીને નામ પ્રસિધ્ધ ન થાય તેવી વાત સાથે સાંભળવા મળ્યા હતા કે કાર્યકર્તાઓની અવગણનાના કારણે નિષ્ક્રીયતાના કારણે હારનો સામનો કરવો પડયો છે.

(11:39 am IST)