Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ઉનામાં કોંગ્રેસનો ગઢ જાળવી રાખતા પુંજાભાઈ વંશઃ ૬ઠ્ઠી વખત વિજેતા

ગત વિધાનસભાની ચૂંટણી કરતા ૩૦૯૪ મતની લીડ ઘટીઃ ઉના પંથકમાં ૨ દાયકાથી ઔદ્યોગિક વિકાસ ન થતા ભાજપને જાકારો

ઉના, તા. ૧૯ :. તાલુકાના કોંગ્રેસી ગઢ જાળવી રાખતા ધારાસભ્ય પુંજાભાઈ વંશ ૬ઠ્ઠી વખત ધારાસભાની ચૂંટણીમાં વિજયી થયેલ છે. ગત વિધાનસભાની ચૂંટણીની લીડ કરતા ૩૦૯૪ મતની લીડ ઘટી છે. ૨૨ વર્ષથી ઉના તાલુકાને કોઈ ઉદ્યોગ-વિકાસ ન આપતા પ્રજાએ ભાજપને જાકારો આપ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૯૩ વિધાનસભા ઉના-ગીરગઢડા તાલુકા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પુંજાભાઈ ભીમભાઈ વંશ તથા ભાજપના નવા નિશાળીયા ઉમેદવાર અને ભૂતપૂર્વ પુંજાભાઈના શિષ્ય હરીભાઈ બોઘાભાઈ સોલંકી વચ્ચે ખરાખરીનો જંગ થયો હતો. જેમા તા. ૯-૧૨-૧૭ના કુલ ૨,૩૩,૩૩૪ મતદારો પૈકી ૭૬૮૪૦ પુરૂષ તથા ૭૧૮૨૦ મળી ૧૪૮૬૬૦ મતદારોએ મતદાન કરતા ૬૩.૭૧ ટકા મતદાન નોંધાયુ હતુ. જે ૨૦૧૨ કરતા ૭.૮૧ ટકા મતદાન થયુ હતું.

જેની ગણતરી શરૂ થતા ૧૯માં રાઉન્ડના અંતે પુંજાભાઈ ભીમાભાઈ વંશ (કોંગ્રેસ)ને ૬૯૬૪૬ મતો મળેલ અને ભાજપના ઉમેદવાર હરીભાઈ બોઘાભાઈ સોલંકીને ૬૫૧૩૩ મતો મળતા પુંજાભાઈ વંશ કોંગ્રેસના ઉમેદવારનો ૪૫૧૩ મતોથી વિજય થયો હતો અને ૫૭ વર્ષથી કોંગ્રસનો ગઢ ગણાતા ઉના તાલુકાને કોંગ્રેસી ગઢ જાળવી રાખવામાં સફળ થયા છે.

આ ચૂંટણીના મતદાનમાં ૧૭૩૬ મતો નોટાને મળ્યા છે. ગત ૨૦૧૨ની ચૂંટણી કરતા કોંગ્રેસને ૩૦૯૪ મત ઓછા મળતા કોંગ્રેસની લીડ ઘટી છે. ગત ૨૦૧૨મા કોંગ્રેસને ૬૯૮૨૪ તથા ભાજપને ૬૨૩૧૭ મતો મળતા ૭૫૦૭ મતોની લીડ કોંગ્રેસને હતી.

વર્તમાન ધારાસભ્ય પુંજાભાઈ વંશ ૧૯૯૦, ૯૫, ૯૮, ૨૦૦૨, ૨૦૧૨, ૨૦૧૭ એમ છઠ્ઠી વખત વિજેતા થયા છે. ૨૦૦૭મા વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા. અગાઉ લોકસભાની ચૂંટણી ૨૦૧૪ની હાર્યા હતા. આ વખતે ભાજપના ઉમેદવાર હરીભાઈને જીતાડવા ભાજપના તમામ આગેવાનોએ એડીચોટીનું જોર લગાવેલ હતું પરંતુ જીત સુધી પહોંચાડી શકયા ન હતા.

ઉનામાં સતત કોંગ્રેસની જીતનું કારણ પુંજાભાઈને સૌને સાથે રાખી ચાલવાનો તાલુકાના તમામ પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કરવા તથા મિલનસાર, હકારાત્મક સ્વભાવ કામ કરી ગયો છે.

જ્યારે ભાજપ ઉનાની બેઠક જીતી શકતુ નથી તેનુ કારણ છેલ્લા ૧૭ વર્ષથી ઉનામાં સુગર ફેકટરી બંધ થયા પછી એક પણ ઉદ્યોગ નથી. ખેતીમાં પાકવિમો, ખેતપેદાશના અપુરતા ભાવો, સરકારી અમલદારોની હેરાનગતી, કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. ખૂન, ચોરી, લૂંટ, મારામારી, હત્યાના બનાવો ૨૦૧૬માં દલીતકાંડ (મોટા સમઢીયાળા) તે ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ નિષ્ફળ જતા તાલુકાના મતદારોએ સરકારીની આંખ ઉઘાડવા કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવી ભાજપને લોકશકિત, મતદારોની તાકાત બતાવી હતી.

બીજુ કારણ ભાજપની હારમાં ૨૦૦૭માં વિજેતા બનેલ પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ટીકીટ કાપી નવા ચહેરા તરીકે હરીભાઈ સોલંકીને તક આપતા પરાજયનો સામનો કરવો પડયો છે. તેમા તાલુકામાં ભાજપાં જુથવાદ તેમજ પાટીદાર પરિબળ, દલિતકાંડને લીધે હારનો સામનો કરવો પડયો છે.

(9:37 am IST)