Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પીપળીયાના કાન્તિભાઇની દેહત્યાગની જાહેરાત ગપ્પુ પુરવાર થશે : જાથાની ટીમે સ્થળ તપાસ કરી

જો કાન્તિભાઇ સાચા ઠરશે તો હું જાથાની પ્રવૃત્તિ છોડી દઇશ : જયંત પંડયાનો લલકાર

રાજકોટ તા. ૧૯ : મોરબી જિલ્લાના પીપળીયાના કાન્તિભાઇએ ગુરૂના સંકેતથી દેહત્યાગની કરેલ જાહેરાતે ભારે ચર્ચા જગાવી છે. ત્યારે વિજ્ઞાન જાથાની ટીમે માહીતી મળતા જ સ્થળ તપાસ કરી કાન્તિભાઇની રૂબરૂ મુલાકાત લઇ પુછપરછ આદરી હતી.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવેલ છે કે હંમેશની જેમ આ વાત પણ ગપ્પુ જ પુરવાર થશે. અને જો કાન્તિભાઇ સાચા ઠરશે તો હું જાથાની પ્રવૃત્તિ છોડી દેવા તૈયાર છુ.

તેઓએ જણાવેલ કે તપાસમાં એવુ જાણવા મળ્યુ છે કે કાન્તિભાઇની છબી પહેલેથી જ ખરડાયેલી હતી. દરીદ્રતા કોરી ખાતી હતી. પત્નિના અકાળે અવસાન બાદ સંતાનોના ઉછેરની જવાબદારી માથે આવતા દુઃખી થઇ ગયા હતા. તમામ વ્યસાનોનો સ્વાદ પણ ચાખી ચુકયા છે. ઘર પરીવારથી કંટાળીને એક વખત કાન્તિભાઇ જુનાગઢ આશ્રમમાં જતા રહ્યા હતા. ત્યાં ઠરીઠામ ન થઇ શકતા પરત આવેલ.

તેમના મનમાં છેલ્લા છએક માસથી દેહત્યાગનું ભુત સવાર હતુ. પરંતુ આર્થિક નબળાઇ અને પરિવારનો ટેકો ન મળવાથી વિચારને અમલમાં મુકી શકયા નહોતા.

પોતાને કુતરૂ કરડયુ અને ગુરૂ માનતાથી સારૂ થઇ ગયાની વાત વહેતી કરી ગામ ગાંડુ કરેલ. બાદમાં હવે ૨૮ નવેમ્બરે દેહ ત્યાગની જાહેરાત કરી છે. એટલુ જ નહીં મંદિરથી રર ડગલા શિવલીંગ નીકળવાની વાત પણ કરી છે. આ બધી વાતની જાથાની ટીમ ખરાઇ કરશે.

પહેલા કાન્તિભાઇએ ખુલ્લામાં દેહત્યાગની વાત કરેલી. પરંતુ હવે નિર્ણય ફેરવી કપડાની આડશો રાખી દેહત્યાગ કરવાની વાત ઉચ્ચારી છે.

જાથાએ રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, મુખ્ય સચિવ, ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક રેન્જ રાજકોટ સહીત મોરબી એસ.પી., કલેકટરશ્રીને પત્રો લખી ૨૮ મીના દેહત્યાગની જાહેરાતને ગંભીરતાથી લેવા જરૂરી પગલા ભરવા રજુઆત કરી છે. કાન્તિભાઇ ગમે તે સમયે આપઘાત કરી ન લ્યે  તે માટે પુરતા જામીન લેવા અને સતત તબીબી નિરીક્ષણ હેઠળ રાખવા અપીલ કરી છે.

ગામ સરપંચ અલ્પેશભાઇ, ગામના આગેવાનો, યવાનો જાથાની ટીમના સહયોગમાં રહ્યા હતા. મોરબીના રૂચિર કારીયા, ગૌરવભાઇ, ટંકારાના રમેશભાઇ સાથી મિત્રો તેમજ પીપળીયા હોટલવાળા નિલેશભાઇ આહીર અને તેમની ટીમે પણ કાન્તિભાઇને સમજાવ્યા છે. જો આપેલ જાહેરાત મુજબ દેહ ત્યાગ ન થાય તો ગામની આબરૂ જવાની વાત હોવાનું પણ જણાવેલ. પરંતુ કાન્તિભાઇ તેમના નિર્ણય પર હાલ મકકમ છે.

ત્યારે ૨૮ મીએ ખરેખર શું થાય છે તે માટે જાથાના કાર્યકરોએ પણ સ્થળ પર હાજર રહેવા પુરી તૈયારી કરાઇ છે. હંમેશની જેમ આ વાત પણ ગપ્પુ જ પુરવાર થશે તેવો દ્રઢ નિરધાર અંતમાં જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ વ્યકત કરેલ છે.

(1:10 pm IST)