Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

કુવાડવા પાસે ટ્રકે છકડાને ઉલાળતા લૌકિકે જઇ રહેલા કુચીયાદળના કોળી પરિવારના બે મહિલાના મોતઃ ૮ને ઇજા

૫૦ વર્ષના મંજુબેન ડાભીનું સાંજે અને ૭૦ વર્ષના જસુબેન ડાભીનું સવારે મોતઃ રાજકોટ નવાગામના ઢોળે રહેતાં કુટુંબીનું અવસાન થયું હોઇ બધા ત્યાં મોઢે થવા જતા'તા ને રસ્તામાં અકસ્માત નડ્યોઃ ટ્રક ચાલક સામે ગુનોઃ બાર કલાકમાં કોળી પરિવારોના ત્રણ-ત્રણ સભ્યોના અપમૃત્યુથી ગામમાં શોકઃ સરપંચ સતત મદદે

તસ્વીરમાં બબ્બે જીવ લેનારો ગોઝારો ટ્રક, તથા ઉપરની પ્રથમ બે તસ્વીરમાં જસુબેન ડાભીનો નિષ્પ્રાણ દેહ અને મંજુબેન ડાભીનો ફાઇલ ફોટો તથા અન્ય તસ્વીરોમાં ઇજાગ્રસ્તો જોઇ શકાય છે. બામણબોરથી બાબુલાલ ડાભીએ આ તસ્વીરો મોકલી હતી.

રાજકોટ તા. ૧૯: કુવાડવા જીઆઇડીસી નજીક ટ્રકે છકડો રિક્ષાને ઉલાળતાં રિક્ષામાં બેઠેલા કુચીયાદળના કોળી પરિવારના પ્રોૈઢ, તેના પત્નિ તથા બીજા આઠ મહિલાઓને ઇજા થતાં તમામને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં એક મહિલાનું સાંજે મોત થયું હતું. જ્યારે એક વૃધ્ધાએ આજે સવારે દમ તોડી દીધો હતો. બનાવને પગલે કોળી પરિવારોમાં શોક છવાઇ ગયો હતો. આ બધા રાજકોટના નવાગામ ઢોળે રહેતાં સગાનું મૃત્યુ થયું હોઇ તેમાં લોૈકિકે આવતાં હતાં અને આ બનાવ બન્યો હતો. છકડો ચાલકને પણ ઇજા થઇ હતી.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ કુવાડવા જીઆઇડીસી ગેઇટ નં. ૧ પાસે ગઇકાલે બપોરે સવાત્રણેક વાગ્યે છકડો રિક્ષા નં. જીજે૦૩એકસ-૩૮૬૧ને ટ્રક નં. આરજે૧૯જીઇ-૨૭૭૭ના ચાલકે ઠોકરે ચડાવતાં છકડો પલ્ટી ખાઇ જતાં તેના ચાલક કુચીયાદળના મનિષ કાબજીભાઇ બાવળીયા (કોળી) (ઉ.૩૦) તથા છકડો ભાડે કરીને બેઠેલા કુચીયાદળના છગનભાઇ વાલજીભાઇ ડાભી (ઉ.૫૫), તેના પત્નિ મંજુબેન છગનભાઇ ડાભી (ઉ.૫૦), તેમજ ગામના જ બીજા ડાભી પરિવારના મધુબેન લાખાભાઇ  (ઉ.૫૦), જસુબેન જેરામભાઇ (ગાંડુભાઇ) (ઉ.૭૦), પિન્ટૂબેન વસ્તાભાઇ (ઉ.૩૫), શારદાબેન વાલજીભાઇ (ઉ.૪૦), હેમાબેન વિઠ્ઠલભાઇ (ઉ.૪૦), દેવુબેન મગનભાઇ (ઉ.૪૫), મંગાભાઇ કાનજીભાઇ (ઉ.૭૫) તથા જમુનાબેન વાલજીભાઇ (ઉ.૮૦)ને ઇજાઓ થતાં તમામને સારવાર માટે ૧૨૦૮ મારફત કુવાડવા સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પરંતુ અહિ સારવાર દરમિયાન મંજુબેન  છગનભાઇ ડાભી (ઉ.૫૦)નું મોત નિપજતાં શોક છવાઇ ગયો હતો. છગનભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. દરમિયાન સારવારમાં રહેલા જસુબેન જેરામભાઇ (ગાંડુભાઇ) ડાભી (ઉ.૭૦)નું આજે સવારે સિવિલ હોસ્પિટલમાં મોત થતાં મૃત્યુઆંક બે થયો હતો. જસુબેનને સંતાનમાં પાંચ પુત્ર અને ચાર પુત્રી છે.

કોળી પરિવારના આ બધા લોકોના એક સગા રાજકોટ નવાગામ ઢોળા પર રહેતાં હોઇ તેનું અવસાન થતાં લોૈકિકે જવા માટે કુચીયાદળથી છકડો રિક્ષા ભાડે કરીને નીકળ્યા હતાં અને રસ્તામાં અકસ્માત નડ્યો  હતો. કુવાડવાના હેડકોન્સ. કે. સી. સોઢાએ છકડો ચાલક મનિષ બાવળીયાની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

આ ઉપરાંત કુચીયાદળના જ એ કોળી પ્રોૈઢનું ગત સાંજે ગ્રાઇન્ડીંગનો પથ્થર તૂટીને મોઢા પર વાગી જતાં મોત નિપજ્યું હતું. આમ બાર કલાકમાં ત્રણ જુદા જુદા પરિવારના સભ્યોના અપમૃત્યુ થતાં ગામના કોળી સમાજમાં ગમગીની વ્યાપી ગઇ હતી. સરપંચ હરેશભાઇ આસોદરીયા સહિતના આગેવાનો મૃતકને મદદરૂપ થવા સતત હાજર રહ્યા હતાં.

કુચીયાદળના ૫૦ વર્ષના ટીનાભાઇ કોળીનું શાપરના કારખાનામાં ગ્રાઇન્ડરનો પથ્થર તૂટીને લાગતાં મોત

રાજકોટ તા. ૧૯: કુચીયાદળ રહેતાં ટીનાભાઇ લવજીભાઇ જાડા (ઉ.વ.૫૦) નામના કોળી પ્રોૈઢનું શાપર વેરાવળના કારખાનામાં કામ કરતી વખતે પથ્થર મોઢા પર વાગી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ટીનાભાઇ શાપરના કાલરીયા ફોર્જિંગ નામના કારખાનામાં ગઇકાલે બપોર બાદ કામ કરી રહ્યા હતાં ત્યારે અચાનક ગ્રાઇન્ડરનો પથ્થર તૂટીને તેમના મોઢા પર વાગતાં ગંભીર ઇજા થતાં શિવાલય હોસ્પિટલ, લોટસ હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી શાપર પોલીસને જાણ કરી હતી.મૃત્યુ પામનાર ટીનાભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. મોભીના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

 

(11:16 am IST)