Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જામનગર મહાપાલીકાએ પક્ષી અભ્યારણ પાસે કચરો ઠાલવતાં વિવાદઃ આર.એફ.ઓ.એ કામગીરી અટકાવી

જામનગર, તા., ૧૯: મહાનગર પાલીકા દ્વારા ખીજડીયા પક્ષી અભ્યારણ પાસે કચરો ઠાલવામાં આ કચરાનાં પ્રદુષણને કારણે ફોરેસ્ટ ઓફીસરે કચરો ઠાલવવાની કામગીરી અટકાવતા વિવાદ સર્જાયો હતો.

કચરા ડમ્પીંગ વિવાદ ફરી સળગ્યો

જામનગર  મહાનગર પાલીકા દ્વારા જામનગર શહેરનો કચરો રાજકોટ રોડ પર ધુંવાવ નજીક ઠલવવામાં આવી રહયો હતો. આ કચરો વરસાદના સમયે વિશ્વ વિખ્યાત ખિજડીયા પક્ષી અભ્યારણમાં પાણી સાથે જતો હોય તેમજ આ કચરાને અવાર નવાર સળગાવવામાં આવતો હોય પક્ષી અભ્યારણમાં પ્રદુષણ ફેલાઇ રહયું હતું.

આથી ખિજડીયાના આર.એફ.ઓ. જોશી, ફોરેસ્ટર દક્ષાબેન તથા સ્ટાફએ મહાનગર પાલીકાના કમિશ્નરને રજુઆત કરી હતી અને કચરો ઠલવવા આવતા વાહનો રોકી રાખતા મહાનગર પાલીકાના અધિકારીઓ દોડી ગયા હતા અને હાલ પુરતો કચરો ઠાલવવાની કામગીરી બંધ કરવામાં આવી છે.

આ અગાઉ પણ આ ડમ્પીંગ પોઇન્ટ અંગે ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી કરી હતી. પરંતુ જામનગર મહાનગર પાલીકાને પર્યાવરણ કે પક્ષીઓ અંગે કોઇ ફિકર ન હોય નવે નાકે દિવાળી જેવા અધિકારીઓ અને સતાધીશો એ કોઇ બીજો વિકલ્પ ન શોધી ફરી વિખ્યાત પક્ષી અભ્યારણના નખોદ કાઢવાની કાર્યવાહી ચાલુ રાખતાં આ વિવાદ જાગ્યો હતો.

(1:39 pm IST)