Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

હાર્દિક બોલવા ઉભો થયો ત્યાં જ લાઇટ ગુલઃ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા

લખતરના નાના અંકેવાળીયા ગામે પાસના કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજાયું :ઉપસ્થિતજનોએ મોબાઇલથી પ્રકાશ પાડતા સંબોધન પુરૂ કર્યુ

વઢવાણ, તા.૧૯: લખતર તાલુકાનાં નાના અંકેવાળીયા ગામે રવિવારે પાસનાં કન્વીનર હાર્દિક પટેલ દ્વારા કાર્યકર્તા સંમેલન સંબોધવામાં આવ્યુ હતું. જોકે, હાર્દિક પટેલે સંબોધન ચાલું કરતાની સાથે જ લાઇટ ગુલ થઇ ગઇ હતી. જોકે, હાજર લોકોએ મોબાઇલથી પ્રકાશ પાડતાં સંબોધન પૂર્ણ કર્યું હતું.

હાર્દિકે પાસનાં કાર્યકર જે સુરતનાં અલ્પેશ કથીરિયા જેલમાં છે તેને છોડાવવા અંગે જણાવ્યું હતું. અને ગામડે ગામડે ફરીને વડીલોને જાગૃતતા લાવવી છે. આ સરકાર પાસે પણ આપણે આડે હાથે કામ લેવું પડશે. આ વિકાસ થયાની વાતો કરતાં મોદીને એ નથી ખબર કે આ વિકાસ ખેડૂતોએ કરેલ મહેનતનું પરિણામ છે. આગામી દિવસોમાં એક મહિલા સંમેલન બોલાવવાની પણ મારી ઈચ્છા છે. તેણે મોંઘવારી વિશે ગેસનાં બાટલાનાં સાડા નવસો પહોંચાડયાનું જણાવ્યું હતું.

 આ કાર્યક્રમ લાઈવ કાર્યક્રમ દેખાડવામાં આવતો હોઈ હાર્દિકનાં ભાષણ દરમિયાન ગામમાં સંપૂર્ણ વિજળી ગુલ કરવામાં આવી હોવાનો આક્ષેપ પાટીદારોએ કર્યો હતો. ત્યારે જેને જીરૂ કઈ મોસમમાં થાય, તેને કેટલા પાણી દેવા પડે તે પણ નથી ખબર તે મુખ્યમંત્રી બનીને બેઠા છે. તો જેને ટ્રેકટરમાં કેટલા ગીયર આવે એ નથી ખબર એ કૃષિમંત્રી બનીને બેઠા છે તેવા આકરા પ્રહારો સરકાર ઉપર કર્યા હતાં.

આ પ્રસંગે પાસનાં મનોજ પનારા, ગીતાબેન, લખતર તાલુકાનાં પાસનાં કન્વીનર હસમુખ હાડી, નંદાભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

હાર્દિકે કહ્યું હતુ કે, ગુજરાત ભાજપ સરકારની હેરાન ગતિ એટલે કે સંમેલનમાં લાઈટ પણ ગુલ કરી દીધી છતાં કાર્યકર્તા નો જોશ અને ઉત્સાહ અમારી તાકાત છે જોઈલો આ તાકાતને તમારી સામે છે.આંદોલનમાં સંપૂર્ણ શિસ્ત અને મજબૂત સંગઠન હોય તો સમજવું કે અડધી લડાઈ જીતી લીધી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા જિલ્લાના કાર્યકર્તાઓનું સ્નેહ સંમેલનમાં પાટીદાર સમાજની અનામતની માંગ અને યુવા કન્વીનર અલ્પેશ કથીરિયા ની જેલ મુકિતની વાત સાથે સામાજિક અને કાયદાકીય લડાઈ કઈ રીતે લડી શકાય તે બાબતે મન મૂકીને ચર્ચાઓ કરવામાં આવી.

સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ આ સ્નેહમિલનમાં જોડાયા. તમામ લોકોની એક જ વાત છે કે સમાજના ગરીબ યુવાનોને સારું શિક્ષણ અને રોજગારી મળે. આ મુદ્દા સાથે બે દિવસમાં અનામત આંદોલન ના કાર્યક્રમો અપાશે.સાથે સાથે અલ્પેશની જેલ મુકિત માટે સારામાં સારા વકીલોને સાથે રાખીને જામીન મળે તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે અને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને સરકાર સાથે વાટાઘાટો પણ કરવામાં આવશે.

(1:38 pm IST)